Home Gujarat Ahmedabad High Profile Terrace Liquor Party Police Raid 2026

ધાબા પર દારૂ, હુક્કા પાર્ટી : હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા, 4 યુવતી સહિત 16 લોકોની અટકાયત

ધાબા પર દારૂ, હુક્કા પાર્ટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 09:19 AM IST

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા પંચવટીમાં આવેલી 'સેન્ટેરિયલ વિસ્ટા' બિલ્ડિંગના ધાબા પર ચાલી રહેલી શરાબ અને હુક્કાની મહેફિલ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યો છે. વાસી ઉત્તરાયણની ઉજવણીના નામે ચાલતી આ પાર્ટીમાં પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો, હુક્કા અને ડીજે સિસ્ટમ મળી આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી 4 યુવતીઓ અને 12 યુવકો સહિત કુલ 16 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીજેના ઘોંઘાટને કારણે ભાંડો ફૂટ્યો

મળતી માહિતી મુજબ, કુશલ શાહ નામના વ્યક્તિએ આ હાઈપ્રોફાઈલ પાર્ટીનું આયોજન કર્યું હતું. બિલ્ડિંગના ટેરેસ પર મોટા અવાજે ડીજે વગાડીને નશામાં ધૂત યુવકો બૂમાબૂમ કરી રહ્યા હતા. આ ધમાલથી પરેશાન થયેલા સ્થાનિક રહીશોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી. કંટ્રોલ મેસેજ મળતા જ યુનિવર્સિટી પોલીસની ટીમે તાત્કાલિક સેન્ટેનિયલ વિસ્ટા પર રેડ કરી હતી, જેનાથી પાર્ટીમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ટેરેસ પર જ તૈયાર કરાયો હતો આખો 'બાર'

પોલીસ જ્યારે ધાબા પર પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગઈ હતી. પાર્ટીમાં ખાવા-પીવા માટે ખાસ કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા હતા.

  • દારૂ અને બાઈટિંગ: મોંઘી વિદેશી દારૂની બોટલો અને બિયરની સાથે કાઉન્ટર પર લીચી, કાચી કેરી, ઈલાયચી, ખારેક અને બિસ્કિટ જેવી ખાણીપીણીની વસ્તુઓ ગોઠવવામાં આવી હતી.

  • હુક્કાબાર: ટેરેસ પર વિવિધ ફ્લેવરના હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

બિલ્ડર પુત્ર ફરાર હોવાની આશંકા

ચર્ચા મુજબ, પોલીસ ત્રાટકે તે પહેલાં જ એક મોટા બિલ્ડરનો પુત્ર સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. એવું પણ કહેવાય રહ્યું છે કે આ મામલે સિનિયર પોલીસ અધિકારીઓ પર ભલામણોના ફોન આવી રહ્યા છે, જોકે પોલીસ વિભાગે સત્તાવાર રીતે આવી કોઈ પણ ભલામણનો ઇનકાર કર્યો છે અને તટસ્થ તપાસની ખાતરી આપી છે.

તમામ આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરાશે

પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો અને હુક્કા સહિતનો તમામ સામાન જપ્ત કર્યો છે. હાલમાં પંચની હાજરીમાં પંચનામું કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝડપાયેલા તમામ 16 લોકોને મેડિકલ રિપોર્ટ અને બ્લડ સેમ્પલ લેવા માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now