Home Gujarat Ahmedabad Ahmedabad Gujarat University Police Jewellery Theft Delhi Parcel Racket

અમદાવાદ પોલીસનું મેગા ઓપરેશન : ચોરીના દાગીના દિલ્હી પહોંચે તે પહેલા જ ફિલ્મી ઢબે ઝડપાયા

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: May 09, 2026, 12:37 PM IST

અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ સામે કાર્યવાહી કરતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ચોરીના દાગીના દિલ્હી પાર્સલ મારફતે મોકલાતા પહેલા જ ઝડપી પાડતાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે નોંધાયેલા ગુનામાં તપાસ આગળ વધારતાં આરોપી શંકર આકાશપ્રસાદ જૈસવાલ સુધી પહોંચી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી પોતાના સાગરિતો સાથે મળી અમદાવાદમાં ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો.

દિલ્હી સુધી ફેલાયેલું નેટવર્ક બહાર આવ્યું

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી શંકર જૈસવાલ પોતાના મિત્ર આકાશ વિરેનસિંહ ઠાકુર અને અયાઝ અહેમદ સમીયા રીયાઝ અહેમદ સાથે મળી ચોરીના દાગીના દિલ્હીમાં મોકલવાની તૈયારીમાં હતો. પોલીસ મુજબ, આરોપીઓએ ઘરફોડ ચોરી દરમિયાન સોના અને ચાંદીના દાગીના ચોરી કર્યા હતા. ઘટના સમયે ફરિયાદીના પરિવારજનો ઘરમાં હાજર હતા, ત્યારે આરોપીઓ ઝડપાઈ જવાની ભીતિ વચ્ચે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આરોપી શંકર જૈસવાલ અને આકાશ ઠાકુરને ઝડપી પાડ્યા હતા, જ્યારે અયાઝ અહેમદ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તપાસ દરમિયાન વધુ ખુલાસો થયો કે આરોપીઓ ચોરીના દાગીના દિલ્હીમાં પોતાના સંપર્કો મારફતે વેચાણ માટે મોકલતા હતા. આ સમગ્ર કડીને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તરત જ વિશેષ ટીમ દિલ્હી મોકલી હતી.
વડોદરામાં સ્કોર્પિયો કારનાં ચાલકે સ્વિફ્ટ કારને મારી ટક્કર: પોલીસની હદ અંગે ગૂંચવણ

પાર્સલમાંથી લાખો રૂપિયાના દાગીના કબજે

પોલીસ ટીમે દિલ્હી જતાં માર્ગમાં ચોરીના દાગીના ભરેલું પાર્સલ ટ્રેસ કરીને કબજે કર્યું હતું. કબજે કરાયેલા મુદ્દામાલમાં અંદાજે 35 તોલા સોનાના દાગીના, 57 ગ્રામ ચાંદીના દાગીના અને એક ઇમિટેશન જ્વેલરી સેટનો સમાવેશ થાય છે. પોલીસના અંદાજ મુજબ કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹25.67 લાખ જેટલી થાય છે.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસમાં દિલ્હી સાથે સંકળાયેલા વધુ લોકોની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ઘરફોડ ચોરી કર્યા બાદ દાગીના ઝડપથી અન્ય શહેરોમાં ખપાવી દેતા હતા, જેથી પોલીસને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે.

ક્યાં છે ગુજરાતમાં દારૂબંધી!: પંચમહાલ LCBનો સપાટો: ગોધરા પાસે ટ્રકમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

ફરાર આરોપીની શોધખોળ ચાલુ

મળતી માહિતી અનુસાર, ફરાર આરોપી અયાઝ અહેમદ સમીયા રીયાઝ અહેમદની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ સમાન પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઓપરેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર. વાળા અને તેમની ટીમે હાથ ધર્યું હતું. પોલીસ કમિશનર કચેરીના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલી વિશેષ ટીમે દિલ્હી સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. કેસમાં વધુ પૂછપરછ અને ટેક્નિકલ તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મિલકત સંબંધિત ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચીને કાર્યવાહી કરવી કાયદો-વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. ચોરી બાદ તરત જ દાગીના અન્ય રાજ્યોમાં મોકલી દેવાની પદ્ધતિ હવે પોલીસ માટે નવી પડકારરૂપ મોડસ ઓપરેન્ડી તરીકે સામે આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now