Home Gujarat Ahmedabad Congress Aggressive Protest At South Zone Officecorruption Like Ravana Burnt To Express Ange

ભ્રષ્ટાચારના પ્રતીક રૂપી ‘રાવણ’ આકર્ષણનું કેન્દ્ર : અમદાવાદના આ વિસ્તારોમાં પાણી, ગટર અને રસ્તાના પ્રશ્ને જનતા બેહાલ, કોંગ્રેસનો આક્રમક વિરોધ

ભ્રષ્ટાચારના પ્રતીક રૂપી ‘રાવણ’ આકર્ષણનું કેન્દ્ર
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 02:07 PM IST

Ahmedabad News: શહેરના દક્ષિણ ઝોનમાં લાંબા સમયથી વણઉકલ્યા પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે મોરચો માંડવામાં આવ્યો હતો. મણીનગર, ઇસનપુર અને લાંભા જેવા વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવે ત્રસ્ત સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોએ દક્ષિણ ઝોન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભ્રષ્ટાચારના પ્રતીક રૂપી ‘રાવણ’ આકર્ષણનું કેન્દ્ર

આ વિરોધ પ્રદર્શનમાં સૌથી વધુ ધ્યાન“ભ્રષ્ટાચાર રૂપી રાવણ”ના પુતળાએ ખેંચ્યું હતું. કોંગ્રેસે તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને દર્શાવવા માટે એક અનોખું પુતળું તૈયાર કર્યું હતું, જેમાં રાવણના શરીર પર બુલડોઝર અને ભ્રષ્ટાચારના પ્રતીકો દર્શાવવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીરાજેશભાઈ સોનીના નેતૃત્વમાં આ પ્રદર્શન યોજાયું હતું.

પાણી, ગટર અને રસ્તાના પ્રશ્ને જનતા બેહાલ

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વટવા, લાંભા અને નારોલ જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો ધરખમ અભાવ છે. સ્થાનિક લોકો વર્ષોથી ગટર કનેક્શન અને ખરાબ રોડ-રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.અનેક સોસાયટીઓમાં પીવાના શુદ્ધ પાણીની પાઈપલાઈન ન હોવાથી લોકો પરેશાન છે. રાજેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, તંત્ર માત્ર વાતો કરે છે, પણ જમીની હકીકત એ છે કે જનતા ગંદા પાણી અને તૂટેલા રસ્તાઓ વચ્ચે જીવવા મજબૂર છે. આ ભ્રષ્ટાચારના રાવણને કારણે જ સામાન્ય માણસ પાયમાલ થઈ રહ્યો છે.

માટલા ફોડી અને ગાદલા પાથરીને અનોખો વિરોધ

આ વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને પુરુષો જોડાયા હતા. લોકો પોતાના ઘરેથી ગાદલા અને માટલા લઈને ઝોન કચેરી પહોંચ્યા હતા. પીવાના પાણીની સમસ્યાના વિરોધમાં મહિલાઓએ કચેરીના પ્રાંગણમાં માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ચિમકી: 'નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અડગ'

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ શાસિત AMC અને સરકાર માત્ર ભ્રષ્ટાચારમાં મગ્ન છે. કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ પાયાની સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ દક્ષિણ ઝોન કચેરી ખાતે જ રોકાઈ રહેશે અને આંદોલન ચાલુ રાખશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now