Breaking News: અમદાવાદ એરપોર્ટની આસપાસ રહેતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સત્તાધિકારીઓને એરપોર્ટ આસપાસની વિવિધ બિલ્ડિંગનો એરોનોટિકલ સર્વે કરવાનો આદેશ આપ્યો છે. શહેરના છ બિલ્ડિંગ ડેવલપર્સ દ્વારા કરાયેલી માગના જવાબમાં હાઈકોર્ટ દ્વારા આ પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટની આસપાસ નિર્ધારિત ઉંચાઈ કરતા વધુ ઉંચાઈ સુધી બાંધકામ વિમાનની અવરજવર માટે જોખમ ઊભું કરી શકે છે. જે મામલામાં એરપોર્ટ આસપાસના કેટલાંક બિલ્ડિંગ ડેવલપર્સને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી હતી.
અહેવાલ મુજબ, અમદાવાદ એરપોર્ટ નજીક આ બિલ્ડિંગના નિર્માણ અને મંજૂરી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેના આધારે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે હાઇકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હાઈકોર્ટ દ્વારા બિલ્ડિંગ ડિમોલિશનની નોટિસ અપાતા બિલ્ડરો અને ડેવલપર્સ સહિત સ્થાનિક રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કોર્ટનો હસ્તક્ષેપ અને નોટિસ
ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં પ્રાથમિક સુનાવણી બાદ સંબંધિત અધિકારીઓને જવાબ આપવા નોટિસ પાઠવી છે. કોર્ટએ પૂછ્યું છે કે આ બિલ્ડિંગના નિર્માણમાં નિયમોનું પાલન થયું છે કે નહીં. આ સાથે, જો ગેરરીતિ સાબિત થાય તો બિલ્ડિંગ તોડવાની કાર્યવાહી અંગે પણ વિચારણા ચાલી રહી છે. કોર્ટના આ પગલાએ સમગ્ર પ્રોજેક્ટ પર અનિશ્ચિતતા ઊભી કરી છે.
શું છે વિવાદનું મૂળ કારણ?
આ વિવાદનું મુખ્ય કારણ બિલ્ડિંગના નિર્માણ માટે અપાયેલી મંજૂરી અને જમીન ઉપયોગના નિયમો છે. કહેવાય છે કે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં બિલ્ડિંગ ઊભું કરવા માટે ખાસ નિયમો લાગુ પડે છે. જો આ નિયમોનું ઉલ્લંઘન થયું હોય, તો તે ગંભીર કાનૂની બાબત બની શકે છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 250 જેટલાં લોકો સવાર હતા. દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં પ્લેનના પાયલટની ભૂલને કારણભૂત બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ એરપોર્ટ નજીકની ઉંચી ઈમારતો પણ વિમાનની અવરજવર માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે તેમાં કોઈ બેમત નથી. એ જ કારણસર હાઈકોર્ટ કડક વલણ અપવાનીને નોટિસ ફટકારી છે.
પ્રશાસન અને એજન્સીઓની સ્થિતિ
આ મામલે સંબંધિત સરકારી વિભાગો અને એરપોર્ટ ઓથોરિટીની જવાબદારી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. અધિકારીઓ તરફથી પ્રાથમિક રીતે એવું જણાવાયું છે કે તમામ જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ જ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે કોર્ટના હસ્તક્ષેપ બાદ હવે તમામ દસ્તાવેજોની ફરી તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસ માત્ર એક બિલ્ડિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અમદાવાદના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો કોર્ટ દ્વારા કડક નિર્ણય લેવાય, તો ભવિષ્યમાં અન્ય પ્રોજેક્ટ્સ માટે પણ કડક નિયમો લાગુ થઈ શકે છે. હાલમાં કેસની સુનાવણી ચાલુ છે અને આગામી તારીખે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. કોર્ટના અંતિમ નિર્ણય બાદ જ નક્કી થશે કે બિલ્ડિંગ યથાવત રહેશે કે તેને તોડવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટની આસપાસ રહેતા રહિશોમાં પણ હાલ એક પ્રકારનો ફફડાટ વ્યાપી ગયો છે.






