Home Gujarat Ahmedabad Air India Plane Crash Investigation Update Civil Aviation Ministry Parliament Report

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ હજુ પણ ચાલું : જાણો સંસદમાં સરકારે શું આપ્યો જવાબ?

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ હજુ પણ ચાલું
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 07:18 PM IST

સંસદના ચાલુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે જૂન મહિનામાં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના વિશે મહત્વની જાણકારી આપી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ગંભીર હોનારતની તપાસ પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આટલી મોટી જાનહાનિ પાછળનું મુખ્ય કારણ શું હતું તે જાણવા માટે હજુ રાહ જોવી પડશે કારણ કે તપાસ એજન્સી દ્વારા આખરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી.

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે માહિતી આપતા જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા એરક્રાફ્ટ રૂલ્સ 2025 ના નિયમો અનુસાર આ કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સંસદ સભ્ય શફી પરામ્બિલે પૂછેલા એક સવાલના જવાબમાં મંત્રીએ આ વિગતો રજૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગત 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 8 વિમાન ટેકઓફ થયાની થોડીવારમાં જ તૂટી પડ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 260 લોકોના કરૂણ મોત થયા હતા. આખી ઘટનામાં માત્ર એક જ મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

સરકારે જણાવ્યું કે ઘટનાના એક મહિના પછી એટલે કે 12 જુલાઈના રોજ એક પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તે સમયે ઉપલબ્ધ પુરાવાઓને આધારે માહિતી આપવામાં આવી હતી. જોકે તપાસકર્તાઓ અત્યારે પણ અકસ્માત માટે જવાબદાર તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે તેથી ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે.

ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે લેવાયેલા પગલાં અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન એટલે કે ડીજીસીએ પાસે સુરક્ષા માટે એક મજબૂત સિસ્ટમ છે. આ અંતર્ગત એન્યુઅલ સર્વેલન્સ પ્લાન બનાવવામાં આવે છે અને નિયમિત ઓડિટ તથા સ્પોટ ચેકિંગ કરવામાં આવે છે. જો કોઈ ઓપરેટર નિયમોનું પાલન ન કરે તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ થાય છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ડીજીસીએ દ્વારા એક સ્પેશિયલ ઓડિટનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now