Home International After Ajit Pawar Sunetra Pawar To Become States First Woman Deputy Cm Likely To Take Oath This Evening

અજિત પવારના નિધન બાદ પરિવારમાં સત્તાનું સંતુલન : સુનેત્રા પવાર બનશે રાજ્યના પ્રથમ મહિલા ડેપ્યુટી CM; આજે સાંજે શપથગ્રહણની શક્યતા

અજિત પવારના નિધન બાદ પરિવારમાં સત્તાનું સંતુલન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 05:32 AM IST

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. અજિત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી નાયબ મુખ્યમંત્રીની ખુરશી પર હવે તેમના પત્ની સુનેત્રા પવાર બિરાજમાન થશે. શનિવારે સવારે સુનેત્રા પવાર અને તેમના પુત્ર પાર્થ પવાર મુંબઈ પહોંચી ગયા છે, જ્યાં એનસીપી (NCP) ના ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજાવાની છે. જો બધું જ આયોજન મુજબ ચાલશે તો સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રેકોર્ડ બનાવશે. આ નિમણૂક માત્ર પવાર પરિવાર માટે જ નહીં, પરંતુ રાજ્યના ભાવિ રાજકીય સમીકરણો માટે પણ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

સાંજે 5 વાગ્યે શપથગ્રહણની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે 2 વાગ્યે એનસીપીના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં સુનેત્રા પવારને વિધિવત રીતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. ત્યારબાદ તેમના નામની જાહેરાત ડેપ્યુટી સીએમ તરીકે કરવામાં આવશે. એવી પ્રબળ શક્યતા છે કે આજે સાંજે 5 વાગ્યાની આસપાસ રાજભવન ખાતે શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.

પાર્થ પવારને રાજ્યસભા મોકલવાની તૈયારી

સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે. નિયમ મુજબ, નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે આ પદ પરથી રાજીનામું આપવું પડશે. ચર્ચાઓ છે કે સુનેત્રા પવારના રાજીનામાથી ખાલી પડનારી રાજ્યસભાની બેઠક પર અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવારને મોકલવામાં આવશે. જોકે, આ અંગે હજુ સુધી પક્ષ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

NCPના બંને જૂથોના વિલિનીકરણ પર પણ નજર

અજિત પવારના નિધન પહેલા એનસીપીના બંને જૂથો (અજિત પવાર અને શરદ પવાર જૂથ) ના વિલયની વાતો જોરશોરથી ચાલી રહી હતી. હવે જ્યારે સુનેત્રા પવાર સત્તા સંભાળી રહ્યા છે, ત્યારે શરદ પવાર આ વિલિનીકરણ પર શું અંતિમ નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જયંત પાટીલ અને એકનાથ ખડસે જેવા દિગ્ગજ નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે વિલિનીકરણ માટેનો રોડમેપ પહેલેથી જ તૈયાર હતો.

નાણા મંત્રાલય ફડણવીસ પાસે રહી શકે છે

અજિત પવાર પાસે નાયબ મુખ્યમંત્રી પદની સાથે નાણા મંત્રાલયનો પણ હવાલો હતો. જોકે, વર્તમાન પરિસ્થિતિ અને આગામી બજેટને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાની પાસે રાખી શકે છે. ફડણવીસ અનુભવી છે અને અગાઉ પણ બજેટ રજૂ કરી ચૂક્યા છે, તેથી માર્ચમાં રાજ્યનું બજેટ તેઓ જ રજૂ કરે તેવી શક્યતા વધુ છે.

સુનેત્રા પવારની રાજકીય સફર

62 વર્ષીય સુનેત્રા પવારે લાંબો સમય રાજકારણમાં લો-પ્રોફાઇલ જાળવી રાખ્યા બાદ 2024ની લોકસભા ચૂંટણીમાં બારામતીથી નણંદ સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી. જોકે, તે ચૂંટણીમાં તેમની હાર થઈ હતી, પરંતુ બાદમાં પક્ષે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે અજિત પવારના અધૂરા કાર્યોને આગળ વધારવા માટે તેઓ રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now