Home Gujarat After 21 Years Surat Sog From Up Arrested The Accused

21 વર્ષ બાદ UPથી સુરત SOGએ આરોપીઓને દબોચ્યાં : પોલીસકર્મી બન્યા 'ચા વાળા', ફિલ્મી ઢબે વોચ ગોઠવી, 2005નો કેસ

21 વર્ષ બાદ UPથી સુરત SOGએ આરોપીઓને દબોચ્યાં
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 11:11 AM IST

21 વર્ષ જૂના ગુનામાં અંતે કાયદાનો કસોટીનો ઘા પડ્યો છે. સુરત શહેરમાં વર્ષ 2005માં નોંધાયેલા હથિયારબાજી અને મારામારીના ગુનામાં ફરાર રહેલા બે આરોપીઓને સુરત પોલીસની SOG એ ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા આ ગુનામાં સંતોષ રાજબહાદુર યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ યાદવ વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.

કાયદાની પકડ મોડે આવે, પરંતુ મજબૂત આવે!

ઘટના સમયે બંને આરોપીઓ વિનોબા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, પરંતુ મહાનગરપાલિકાના ડિમોલિશન બાદ આ વિસ્તાર અસ્તિત્વમાંથી ગાયબ થઈ ગયો હતો. જેના કારણે તેમના મૂળ વતન અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નહોતી અને કેસ ફાઈલોમાં દટાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ SOGએ હિંમત હાર્યા વગર 200થી વધુ પૂર્વ રહેવાસીઓનો સંપર્ક કર્યો. વર્ષભર ચાલેલી તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી મળી કે બંને ભાઈઓ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી હતા. ટીમ ત્યાં પહોંચી, પરંતુ તેઓ સ્થળાંતર કરી ચૂક્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે અંતે પ્રયાગરાજ ના અત્તરસુઇયા ચૌરાહા નજીક તેમનું લોકેશન ટ્રેસ થયું.

‘ચા વાળા’ બની SOGએ યુપીમાંથી બે ફરાર આરોપી દબોચ્યાં

આરોપીઓને પકડવા પોલીસે ફિલ્મી ઢબે જાળ ગોઠવી. હેડ કોન્સ્ટેબલ લાલભાઈ ‘ચા વાળા’ બની સ્ટોલ પર ઉભા રહ્યા અને અન્ય પોલીસકર્મીઓ ગ્રાહક બની આસપાસ વોચ રાખતા હતા. ભીડભાડવાળા વિસ્તારમાં આરોપીઓ દેખાતા જ ટીમે તેમને દબોચી લીધા. તપાસમાં સામે આવ્યું કે એક આરોપી ઈંડા-ચાની લારી ચલાવતો હતો અને બીજો ગેરેજ સંચાલિત કરતો હતો. 2005માં અશ્વિનીકુમાર ગૌશાળા સર્કલ પાસે તલવાર અને પિસ્તોલ સાથે હુમલો કરીને બંને ફરાર થયા હતા.

બે દાયકાના લાંબા સંઘર્ષ બાદ સુરત પોલીસે ફરી સાબિત કર્યું કે કાયદાની પકડ મોડે આવે, પરંતુ મજબૂત આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now