Home Gujarat Administrations Bulldozer Action In Bharuch

ભરૂચમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી : બે દરગાહો અને 36 દુકાનો તોડી પડાઈ, દરગાહના ટ્રસ્ટીઓનો ગંભીર આક્ષેપ

ભરૂચમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 05:03 AM IST

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા મોટી અને સંવેદનશીલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરના સીટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આવેલી બાલાપીર અને માસુમપીર નામની બે દરગાહોને ડિમોલિશન કરીને તોડી પાડવામાં આવી હતી. સવારે આશરે 4 વાગ્યાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

બે દરગાહો અને 36 દુકાનો પર ડિમોલિશન

જિલ્લા પંચાયતના રેકોર્ડ મુજબ, આ દરગાહો પંચાયતની માલિકીની જમીન પર આવેલી હોવાના કારણે અગાઉ તેના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ દરગાહો દૂર ન થતાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ-ડિવિઝન પોલીસ મથકના PI આર.એમ. વસાવા, બે PSI, આશરે 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી સૌપ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલ અને છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં રહેલા 36 દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સને પણ ડિમોલિશન કરીને જમીન સમતલ કરવામાં આવી હતી.

દરગાહના ટ્રસ્ટીઓનો આક્ષેપ

ડિમોલિશનની કામગીરી શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહો વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ આપ્યો હતો અને તે મુજબ કાનૂની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું, જેના કારણે તેઓમાં છુપો રોષ જોવા મળ્યો હતો. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચમાં થયેલી આ કાર્યવાહી કાનૂની અને વહીવટી મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now