ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે તુર્કિયેને મદદની જરૂરી પડી હોય ત્યારે ભારત આગળ આવ્યું છે. પરંતુ તુર્કીયે હંમેશા દેશ સાથે દગો જ કર્યો છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી સહાયતા પછી, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ ગણાવતાં ભારત સરકારે તાત્કાલિક પગલું લીધું છે. તુર્કી મૂળની કંપની ‘સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ને આપવામાં આવેલી સુરક્ષા મંજૂરી રદ કરી દેવામાં આવી છે. ત્યારપછી અદાણી સમૂહે પણ 16 મેના રોજ સેલેબી સાથેનો કરાર સમાપ્ત કરી દીધો હતો. હવે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
આ મામલે સુનાવણી કરતા હાઇકોર્ટે સેલેબીને વચગાળાની રાહત આપવા ઇન્કાર કર્યો છે. જ્યારે અદાણીને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. આ અંગે આગામી 10 જૂને વધુ સુનાવણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ માટે તુર્કી કંપની સેલેબી સાથેની ભાગીદારીનો અંત લાવી દીધો હતો.
માત્ર 2 કલાકમાં ટર્મિનેશન નોટિસ અપાઈ
વર્ષ 2021માં અદાણી અને સેલેબી વચ્ચે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ થયો હતો. જે પૂર્ણ થતા વધુ પાંચ વર્ષ કોન્ટ્રાક્ટ વધારી શકાય એવી જોગવાઈ હતી. સેલેબીએ એવો દાવો પણ કર્યો હતો કે, તેના મોટાભાગના શેર હોલ્ડર ડચ ઓરિજિનના છે. ઓપરેશન સિંદૂર પછી 15 મેના રોજ બ્યુરો ઓફ સિવિલ એવીએશને સેલેબીનું સિક્યુરિટી ક્લિયરન્સ પરત ખેંચ્યું હતું. જેથી, અદાણીએ પણ ગ્રાઉન્ડ હેન્ડલિંગનો લાયસન્સ એગ્રીમેન્ટ રદ કર્યો હતો. માત્ર 2 કલાકમાં ટર્મિનેશન નોટિસ આપી હતી.
કડક પગલાંઓ ભરતા પૂર્વે કંપનીને સમય અપાયો નથી: સેલેબી
સેલેબીનું કહેવું હતું કે, તેને 11.5 કરોડ રૂપિયાનું લાઇસન્સ એગ્રીમેન્ટમાં રોકાણ કર્યું હતું. તે 2.7 કરોડ રૂપિયા ભાડું ચૂકવે છે. ઉપરાંત તેમનો 186 કર્મચારીઓનો સ્ટાફ છે, જેમનો પગાર ખર્ચ વાર્ષિક 7.5 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે. ઉપરોક્ત પગલાંઓ ભરતા પહેલા કંપનીને કોઈ સમય અપાયો નહોતો કે તેમને સાંભળવામાં આવ્યા નથી. ઓપરેટરમાં કોઈ ટર્કિશ નથી. સમાચારોના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે.
સીટી સિવિલ કોર્ટમાં રાહત ન મળતાં સેલેબી હાઈકોર્ટ પહોંચી
અદાણીએ નવા ગ્રાઉન્ડ હેન્ડલર માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. જેની બીડ ભરવાની છેલ્લી તારીખ 3 જૂન, 2025ની હતી. ત્યાં સુધી કામચલાઉ રીતે ઈન્ડો-થાઈ કંપનીને ગ્રાઇન્ડ હેન્ડલિંગનું કામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના રિવોકેશનના હુકમને મૂળ કંપની દ્વારા દિલ્હી હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે, જેની ઉપર દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો અનામત છે. બોમ્બે હાઈકોર્ટમાં પણ આ સંદર્ભની અરજી કરવામાં આવી છે ત્યારે અદાણીના પગલાંને રોકવા અરજદાર કંપનીએ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં રાહત ના મળતા કંપની હાઈકોર્ટ પહોંચી હતી.





