Home Gujarat Accused Absconding For 8 Years After Defrauding Rs 1 Crore Arrested From Kutch

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો : 1 કરોડની છેતરપિંડી કરી 8 વર્ષથી ફરાર આરોપીને કચ્છમાંથી દબોચ્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 11:49 AM IST

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લગભગ એક દાયકાથી ફરાર રહેલા છેતરપિંડીના આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. વર્ષ 2016 માં વેપારી સાથે વિશ્વાસઘાત કરીને એક કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું લોખંડ મટિરિયલ લઈ રકમ ચૂકવ્યા વિના ફરાર થયેલા આરોપીની કચ્છ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PI આર. જી. જાડેજા અને PI એચ. ડી. તુવરની માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે લાંબા સમયથી આ કેસમાં તપાસ ચાલુ રાખી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી હાલમાં કચ્છ જિલ્લાના સામખીયાળી વિસ્તાર નજીક રહેતો હોવાની શક્યતા છે.

આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કચ્છ પહોંચી હતી. ટીમે ખાનગી રીતે આરોપીની હિલચાલ પર નજર રાખી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને તેને કાબૂમાં લીધો હતો. ધરપકડ બાદ આરોપીને વડોદરા લાવવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે તેને માંજલપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસ મુજબ વર્ષ 2016 દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અમર સ્ટીલ સપ્લાયર્સ નામની કંપની સાથે આરોપીએ વેપારના નામે સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ કંપની પાસેથી મોટા પ્રમાણમાં લોખંડનું મટિરિયલ ખરીદ્યું હતું. આ મટિરિયલની કુલ કિંમત અંદાજે રૂપિયા 1,03,48,579 જેટલી થતી હતી.

આરોપીએ મટિરિયલ મેળવી લીધા બાદ તેની ચુકવણી કર્યા વિના પોતાની કંપની તેમજ રહેણાંક સ્થળ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. જેના કારણે ફરિયાદી વેપારીને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ આનંદરાજ ડેવિન્ડ્રુનાથન એન્થની (ઉંમર 63 વર્ષ, મૂળ રહેવાસી તમિલનાડુ) તરીકે થઈ છે. હાલ તે કચ્છ જિલ્લાના લકડીયા ગામ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ બાદ હવે સમગ્ર છેતરપિંડીના કેસમાં વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now