Home Gujarat Ahmedabad Abvp Protest Sabarmati Medilink Nursing College Ahmedabad 2026

અમદાવાદની મેડીલીંક નર્સિંગ કોલેજમાં ABVPનો હંગામો : પરિસ્થિતિને કાબૂ કરવા બોલાવવી પડી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

ABVP Protest Medilink Nursing College Ahmedabad
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 08:43 AM IST

ABVP Protest Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેડીલીંક ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજ આજે રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. કોલેજ પ્રશાસન સામે લાંબા સમયથી ચાલી રહેલી સુવિધાઓની ફરિયાદોનો ઉકેલ ન આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. સ્થિતિ વધુ વણસતા તંત્ર દ્વારા પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.

સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓમાં ભારે રોષ

ABVPના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે મેડીલીંક ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ પણ પૂરતી મળતી નથી. કોલેજ બિલ્ડિંગ, હોસ્ટેલની વ્યવસ્થા અને અન્ય સંબંધિત સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ સાથે કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે આજે સંગઠને આક્રમક વલણ અખત્યાર કર્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના પોશ વિસ્તારમાં ANTFનો મેગા દરોડો : MD ડ્રગ્સ અને કોકેઈન સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો

સત્તાધીશોએ દરવાજા બંધ કરતા મામલો બિચક્યો

જ્યારે ABVPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોલેજ પહોંચ્યા, ત્યારે ઘર્ષણ ટાળવા માટે કોલેજ સત્તાધીશોએ મુખ્ય દરવાજા બંધ કરી દીધા હતા. આ બાબતે કાર્યકર્તાઓમાં વધુ રોષ જગાડ્યો હતો. ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ કોલેજની બહાર લાગેલા પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને વિરોધ દર્શાવવા માટે કોલેજની ઇલેક્ટ્રિસિટીની મેઈન સ્વિચ પણ બંધ કરી દીધી હતી, જેના કારણે કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તોડફોડનો પ્રયાસ

વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તાઓએ કોલેજનો મેઈન દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. સ્થિતિ બેકાબૂ બનતી જોઈ તાત્કાલિક પોલીસ કાફલાને બોલાવવામાં આવ્યો હતો. લાકડીઓ સાથે સજ્જ પોલીસ જવાનોએ કેમ્પસમાં મોરચો સંભાળ્યો હતો અને કાર્યકર્તાઓને અટકાવ્યા હતા. હાલમાં કોલેજ કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now