આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રાનું આયોજન કરવામાં આવશે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના અનેક પ્રશ્નો છેલ્લા 30 વર્ષથી ઉકેલાયા નથી અને સરકારો દ્વારા યોગ્ય નીતિગત નિર્ણય લેવામાં આવ્યા નથી'.
AAPની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ યાત્રાનો પ્રારંભ આવતીકાલે સોમનાથ મંદિરથી કરવામાં આવશે. યાત્રા દરમિયાન ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સહિત ખેડૂતોને અસર કરતા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. ખેડૂતો, ભાગીયાઓ અને કૃષિ સાથે જોડાયેલા શ્રમિકોના હિત માટે આ યાત્રા સમર્પિત રહેશે.
પ્રવિણ રામ અને મનોજ સોરઠિયાની આગેવાનીમાં યાત્રા
તેમણે વધુમાં કહ્યું કે, 'આ યાત્રા AAPના ખેડૂત નેતા પ્રવિણ રામ અને મનોજ સોરઠિયાની આગેવાનીમાં યોજાશે. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા 8મી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં તેમના સમાપન પ્રસંગે વિશાળ મહાજનસભાનું આયોજન કરવામાં આવશે. યાત્રાના અંતે યોજાનાર મહાસભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ખાસ હાજરી આપશે. ઈસુદાન ગઢવીએ વધુમાં વધુ ખેડૂતો, ભાગીયાઓ, કૃષિ શ્રમિકો અને ખેડૂતોના હિત ઇચ્છનાર નાગરિકોને જોડાશે તેવી વાત પણ કરી હતી.




















