આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઓડિયો ક્લીપનો વિવાદ હજી પુરી થયો નથી. એવામાં AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો નવી ઓડિયો ક્લીપ ચર્ચામાં આવી છે. આ મામલાને લઈને વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છેકે, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓને જે સંદેશ આપ્યો, એનો ઓડિયો ભાજપ દ્વારા ખોટી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ સારા લોકોના પગ પકડવાની વાત આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કરી છે. જેની એક ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો. આ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વાયરલ ઓડિયો મુદ્દે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુંકે, ઈસુદાન ભાઈએ રિક્વેસ્ટ કરી કે સારા લોકોના પગ પકડીને કહો કે જ્યાં સુધી સારા લોકો રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી રાજનીતિ નહીં બદલાય. ભાજપ તો જનતાનું ગળું પકડે છે, ઈસુદાનભાઈએ પગ પકડવાની વાત કરી એમાં શું ખોટું કહ્યું?. જનતા જણાવે કે ગળું પકડનાર પાર્ટી જોઈએ છે કે પગ પકડનાર પાર્ટી. હું પણ કહું છું કે પ્રજાના પગ પકડો અને કહો કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છેકે, AAPએ સારા પરિવારના ભણેલા ગણેલા અને સજ્જન લોકોને ટિકિટ આપી છે. જેણે જાતિ જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવ્યા, ભ્રષ્ટાચાર કર્યો હોય, લોકોને લૂંટી લીધા હોય, એવા લોકોને ભાજપ-કોંગ્રેસ ટીકીટ આપે છે. ગુજરાતનો સામાન્ય વ્યક્તિ સામે ચાલીને ભાજપ કોંગ્રેસનો ડર નહીં છોડે ત્યાં સુધી વ્યવસ્થા નહીં બદલાય.
વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુંકે, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ઈસુદાનભાઈ ગઢવીએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે સૂચનાઓ આપી, ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટેનો આદેશ આપ્યો, તેનો એક ઓડિયો ભાજપ દ્વારા ખોટી રીતે ટીવી મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં સાડા પાંચ હજાર કરતાં પણ વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. આ સાડા પાંચ હજાર ઉમેદવારો કોણ છે? કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂતનો દિકરો છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ સીએ છે, કોઈ વકીલ છે, કોઈ સરકારી નોકરી છોડીને આવેલા વ્યક્તિઓ છે, કોઈ ફાર્માસિસ્ટ છે અને ભણેલા-ગણેલા સારા પરિવારમાંથી આવતા ઉત્સાહી યુવાનો છે. આટલા બધા સારા વ્યક્તિઓને ટિકિટ આપ્યા પછી ઈસુદાનભાઈ ગઢવીએ અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી કે હજુ વધુ લોકો ઉમેદવારી કરે, ગુજરાતના લોકો આ ચૂંટણીમાં જોડાય અને ભાજપ-કોંગ્રેસની ગુંડાગીરી સામે લડે, એ માટે આહ્વાન કર્યું. તેમાં શું ખોટું છે? હું પણ કહું છું કે જાઓ, ગુજરાતની જનતાના પગ પકડીને એમને વિનંતી કરો કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે. હું ફરી કહું છું કે જો આ વાતથી ભાજપને અશાંતિ થાય તો તે તેમનો પ્રશ્ન છે.
વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુંકે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કેવી રીતે ઉમેદવારો ઊભા કરે છે? જે લોકો જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવે છે, ગામોમાં મતભેદ ઉભા કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, કાવા-દાવા અને કૂટનીતિઓથી લોકોને લૂંટે છે અને સરકારી કામોમાંથી પૈસા કમાય છે, એવા લોકોને જ તેઓ ટિકિટ આપે છે. ઈસુદાનભાઈ ગઢવીએ સજ્જન અને સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને રાજનીતિમાં લાવવા માટે પગ પકડીને વિનંતી કરવાની વાત કરી છે, કારણ કે જ્યાં સુધી સારા લોકો રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી રાજનીતિ નહીં બદલાય. સારા માણસના પગ પકડવામાં કંઈ ખોટું નથી. હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાના પગ પકડીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દરેક નાગરિક આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાય, કારણ કે જ્યાં સુધી દરેક વ્યક્તિ આગળ નહીં આવે અને ભાજપ-કોંગ્રેસની રાજનીતિ સામે ઊભો નહીં રહે, ત્યાં સુધી ગુજરાતની વ્યવસ્થા નહીં બદલાય.






