Home Gujarat Aap Makes Serious Allegations Against Municipal Corporation In Khajod Dumping Site Matter

'આ આગ ભાજપના ભ્રષ્ટાચારનો ધુમાડો છે' : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ મામલે AAPનો મનપા પર ગંભીર આક્ષેપ

'આ આગ ભાજપના ભ્રષ્ટાચારનો ધુમાડો છે'
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 03:07 PM IST

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભયાનક આગે સુરત મહાનગર પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ આગને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ શાસિત મનપા પર કડક આક્ષેપો કર્યા છે. “આ આગ નહીં, ભાજપના ભ્રષ્ટાચારનો ધુમાડો છે,” એવો આક્ષેપ સુરત મનપાના વિપક્ષ નેતા અને AAPના પાયલ સાકરીયાએ કર્યો હતો.

'...જે મનપાની ગંભીર બેદરકારી દર્શાવે છે'

ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગની જાણ થતાં પાયલ સાકરીયા સાથે વિપક્ષ દંડક રચનાબેન હીરપરા અને અન્ય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે આગ લાગ્યાને અનેક કલાકો વીતી જવા છતાં આગ કાબૂમાં આવી નથી, જે મનપાની ગંભીર બેદરકારી દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સૌથી ચિંતાજનક બાબત એ છે કે ચારથી પાંચ કલાક સુધી કોઈ મનપાના જવાબદાર અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારી કે પોલીસ કર્મી સ્થળ પર હાજર રહ્યા નહોતા.

'આ આગ ભાજપના ભ્રષ્ટાચારનો ધુમાડો છે'

વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 15 દિવસથી ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલાઓને લઈને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી અને સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી હતી, છતાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા સાડા ત્રણ વર્ષથી અહીં કચરો જમા થતો રહ્યો છે, જ્યારે નિયમો મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ થવો ફરજિયાત હતો. પાયલ સાકરીયાનો વધુ આરોપ છે કે મનપાએ 14 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનો દાવો કર્યો છે, પરંતુ હકીકતમાં આજે પણ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓ યથાવત જોવા મળે છે. તેમણે જણાવ્યું કે કચરાના નિકાલ માટે અંદાજે 300 કરોડ રૂપિયાનું બિલ ચૂકવાઈ ચૂક્યું છે, છતાં જમીન પર કામ થયું નથી. “આ આગ ભાજપના ભ્રષ્ટાચારનો ધુમાડો છે,” તેમ કહી તેમણે સરકાર પર કટાક્ષ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now