Home Gujarat Aam Aadmi Party Starts New Campaign With New Slogan In Gujarat

'ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત AAPનું' : ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ નવા નારા સાથે નવા અભિયાનની કરી શરૂઆત

'ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત AAPનું'
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 11:53 AM IST

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)એ નવા નારા સાથે નવા રાજકીય અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત AAP દ્વારા “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” એવો નવો નારો જાહેર કરવામાં આવ્યો છે. આ નારો AAPના નેતા ગોપાલ ઈટાલીયાએ જાહેર કર્યો હતો. ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, 'ગુજરાત કોઈ ભાજપના બાપનું કે નેતાઓના દીકરાઓના બાપનું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં અનેક બાપ-દીકરાઓની જોડી ગુજરાતને બરબાદ કરી રહી છે. ભાજપમાં બાપ-દીકરાની જોડીઓ બની ગઈ છે અને બંનેના બે નંબરના ધંધા ચાલી રહ્યા છે એવો ગંભીર આરોપ પણ તેમણે મૂક્યો હતો.

'આ નવા નારા સાથે AAP ગુજરાતની ગલી-ગલી સુધી પહોંચશે'

ગોપાલ ઈટાલીયાએ વધુમાં કહ્યું હતું કે, 'ભાજપના નેતાઓના દીકરાઓ વિવિધ ગેરરીતિઓમાં પકડાઈ રહ્યા છે. કોઈ દીકરો મનરેગામાં પકડાયો, કોઈ ડ્રગ્સ વેચતા ઝડપાયો તો કોઈ કટકી કરતાં પકડાયો'. તેમણે આરોપ લગાવ્યો કે, 'ગુજરાતમાં ભાજપના નેતાઓની દાદાગીરી અલગ છે અને તેમના દીકરાઓની દાદાગીરી અલગ રીતે ચાલી રહી છે'. નવા અભિયાન અંગે વાત કરતાં ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, 'આ નવા નારા સાથે આમ આદમી પાર્ટી ગુજરાતની ગલી-ગલી સુધી પહોંચશે'.

'આ ગુજરાત ભાજપનું નથી...'

તેમણે કહ્યું હતું કે, 'ભાજપના નેતાઓને જે જમીન ગમી જાય છે ત્યાં રાતોરાત બુલડોઝર આવી જાય છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત જ્યાં જ્યાં બુલડોઝર કાર્યવાહી થાય છે, ત્યાં AAP પીડિત લોકોની સાથે ઉભી રહેશે એવો તેમણે દાવો કર્યો હતો. ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે 'આ ગુજરાત ભાજપનું નથી, પરંતુ ખેડૂતો, યુવાનો, મહિલાઓ, શ્રમિકો અને તમામ સામાન્ય લોકોનું છે.' તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે લોકોની આત્મા જાગશે અને જનતા ન્યાય કરશે ત્યારે ભાજપ પોતાનું મોઢું બતાવી શકશે નહીં. AAPના આ નવા અભિયાનથી રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now