Home Gujarat A Red Light Incident Of Rabies In Banaskantha

બનાસકાંઠામાં હડકવાની લાલબત્તી સમાન ઘટના : કુતરુ કરડ્યા બાદ સમયસર સારવાર ન લેતા યુવકની હાલત ગંભીર, બચવું લગભગ અશક્ય!

બનાસકાંઠામાં હડકવાની લાલબત્તી સમાન ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 09:02 AM IST

બનાસકાંઠા જિલ્લામાંથી હડકવાના ખતરાને લઈ લાલબત્તી સમાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના નળાસર ગામમાં ત્રણ મહિના પહેલા હડકાયું કુતરુ કરડ્યા બાદ સમયસર સારવાર ન લેવાતા એક ભાગિયા તરીકે કામ કરતા યુવકની હાલત અત્યંત ગંભીર બની ગઈ છે. ડોકટરોના જણાવ્યા મુજબ, હડકવાના આ તબક્કે પહોંચ્યા બાદ દર્દીનું બચવું લગભગ અશક્ય ગણાય છે.

મળતી માહિતી મુજબ, યુવકને ત્રણ મહિના પહેલા કુતરુ કરડ્યું હતું, પરંતુ તેણે તેને હળવાશથી લઈ યોગ્ય સારવાર કે રેબિસની રસી લીધી નહોતી. ત્યારે ત્રણ મહિના બાદ હવે અચાનક યુવકમાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા છે. તે શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો, ચાર પગે ચાલતો થયો અને લોકોને કરડવા દોડતો હતો. ઘરઆંગણે પણ તે અચાનક હિંસક બની પત્ની પર હુમલો કરવા દોડતા પરિવારજનો ભયભીત થઈ ગયા હતા.

પરિસ્થિતિની ગંભીરતા જોતા પરિવાર, ગામલોકો અને પોલીસની મદદથી યુવકને કાબુમાં લઈ ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અતિશય આક્રમક બન્યો હતો. તેણે દોરડા તોડી નાખતા સ્ટાફને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી. આખરે પોલીસની મદદથી જાળી અને તાર વડે બાંધી ઇન્જેક્શન આપી તેને બેભાન કરાયો.

હાલ યુવકની સારવાર ચાલુ છે, પરંતુ તબીબો સ્પષ્ટ કરે છે કે એકવાર હડકવાના લક્ષણો શરૂ થાય પછી કોઈ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી અને મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે.

ડોક્ટરો જનતાને અપીલ કરે છે કે કુતરુ કરડે તો ક્યારેય બેદરકારી ન રાખવી. સરકારી હોસ્પિટલોમાં રેબિસની તમામ રસીઓ મફત ઉપલબ્ધ છે. કુતરુ કરડ્યા બાદ તરત ઘા સાફ કરી ડોક્ટરનો સંપર્ક કરવો, 5 થી 7 ડોઝની રસી અને જરૂર હોય તો રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવો જીવન બચાવનારો પગલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now