મુંબઈના પવઈ વિસ્તારમાં 15-20 બાળકોને બંધક બનાવાયાના સમાચાર પ્રકાશમાં આવતાં હંગામો મચી ગયો હતો. પવઈના આરએ સ્ટુડિયોમાં ધોળા દિવસે બાળકોના અપહરણની સનસનાટીભરી ઘટનાને રોહિત નામના વ્યક્તિએ અંજામ આપ્યો હતો.
આરએ સ્ટુડિયોના પહેલા માળે, જ્યાં એક્ટિંગ ક્લાસીસ ચાલે છે, ત્યાં ઘણા બાળકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બાળકો કાચમાંથી બહાર જોતાં જોવા મળ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. પોલીસ કાર્યવાહી દરમિયાન તેને ગોળી વાગી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ડોક્ટરોએ રોહિત આર્યને મૃત જાહેર કર્યો હતો. પોલીસ હવે ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને સર્જિકલ રિપોર્ટ તૈયાર કરી રહી છે.
બાળકોને બંધક બનાવનાર વ્યક્તિ રોહિત હોવાનું કહેવાય છે. રોહિત આ સ્ટુડિયોમાં કામ કરે છે અને એક Youtube ચેનલ પણ ચલાવે છે. તે છેલ્લા ચાર-પાંચ દિવસથી ત્યાં ઓડિશન લઈ રહ્યો હતો.
પોલીસે કસ્ટડીમાં લીધો
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, "બધા બાળકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. રોહિત આર્ય નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તેની સાથે વાત કરી રહી છે અને તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું પગલું કેમ ભર્યું અને શું તે ખરેખર માનસિક રીતે અસ્થિર છે."
અહેવાલો અનુસાર, આજે સવારે જ્યારે લગભગ 100 બાળકો ઓડિશન માટે પહોંચ્યા, ત્યારે તેણે લગભગ 80 બાળકોને જવા દીધા, પરંતુ 15 થી 20 બાળકોને અંદર રાખ્યા હતા. પવઈ સ્ટુડિયોની બહાર માતા-પિતાનું ટોળું એકઠું થયું હતું, જેઓ તેમના બાળકોની ચિંતા કરતા હતા.
કિડનેપરે વીડિયો મેસેજ જાહેર કર્યો
આ દરમિયાન, કિડનેપર રોહિત આર્યનો એક વીડિયો મેસેજ સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાને બાળકોના અપહરણ પાછળના વ્યક્તિ તરીકે ઓળખાવ્યો અને કહ્યું હતું કે તેણે જ સમગ્ર ઘટનાનું આયોજન કર્યું હતું. તેણે દાવો કર્યો કે તેણે ચોક્કસ વ્યક્તિઓ સાથે વાતચીત કરવા માટે બાળકોને બંધક બનાવ્યા હતા.
વીડિયોમાં, તેણે કહ્યું હતું કે તેની પાસે કોઈ મોટી નાણાકીય માંગણીઓ નથી, પરંતુ તેની માંગણીઓ નૈતિકતા પર આધારિત હતી. રોહિતે એમ પણ કહ્યું હતું કે તે પોતાને આતંકવાદી માનતો નથી, પરંતુ ફક્ત પ્રશ્નો પૂછવા અને જવાબો મેળવવા માંગતો હતો. તેણે ચેતવણી આપી હતી કે જો પોલીસ કે અન્ય કોઈએ આક્રમક કાર્યવાહી કરી, તો તે પણ કાર્યવાહી કરશે. તેણે દરેકને તેને ઉશ્કેરવા ન દેવાની અપીલ કરી.
બાળકોને માતા-પિતાને સોંપવામાં આવ્યા
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે બધા બાળકો સુરક્ષિત છે અને તેમને તેમના માતાપિતાને સોંપી દેવામાં આવ્યા છે. ચકાસણી બાદ શક્ય તેટલી વહેલી તકે વધુ માહિતી શેર કરવામાં આવશે. પોલીસ તે વ્યક્તિ સાથે વાત કરી રહી છે અને તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું પગલું કેમ ભર્યું અને શું તે ખરેખર માનસિક રીતે અસ્થિર છે.






