Home Gujarat 8th International Wetland Seminar In Porbandar Inaugurated By Arjun Modhwadia

પોરબંદરમાં યોજાશે 8મો આંતરરાષ્ટ્રીય 'વેટલેન્ડ સેમિનાર' : વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદ્ઘાટન, રાજ્ય મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિ

પોરબંદરમાં યોજાશે 8મો આંતરરાષ્ટ્રીય 'વેટલેન્ડ સેમિનાર'
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 11:36 AM IST

Porbandar Wetland Seminar: ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન), ગાંધીનગર દ્વારા 1 અને 2 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે રાજ્ય કક્ષાનો 8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-કમ-વર્કશોપ યોજાશે. આ સેમિનારનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે તથા રાજ્ય મંત્રી પ્રવીણમાળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-2026ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે જોડાયેલો છે.

મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તારો, પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસંબંધોને સમજવા અને મજબૂત બનાવવાનો છે. સ્થાનિક તેમજ પરંપરાગત જ્ઞાનને વેટલેન્ડ્સના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવશે.

સેમિનાર દરમિયાન વેટલેન્ડ સંબંધિત ટેક્નિકલ વર્કશોપ યોજાશે, જેમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને અધિકારીઓ અનુભવો શેર કરશે. વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકો સહિત વરિષ્ઠ અધિકારીઓ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને પરંપરાગત જ્ઞાન ધરાવતા નાગરિકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ક્ષમતાવર્ધન અને જાગૃતિ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

ગુજરાતમાં વેટલેન્ડ્સનું મહત્વ

નેશનલ વેટલેન્ડ એટલાસ (2021, SAC-ISRO) મુજબ ગુજરાતમાં અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ છે, જે ભારતના કુલ વેટલેન્ડ વિસ્તારના 21.9% અને રાજ્યના ભૂગોળીય વિસ્તારના 17.8% છે. આથી ગુજરાત વેટલેન્ડ્સની દૃષ્ટિએ દેશના અગ્રણી રાજ્યોમાં ગણાય છે.

રામસર સાઇટ્સ માટે પ્રસ્તાવ

રાજ્ય સરકારે ગોસાબારા-મોકરસાગર અને ફ્લેમિંગો સિટી વેટલેન્ડ (પોરબંદર) તેમજ છારી ઢાંઢ (કચ્છ)ને નવી રામસર સાઇટ જાહેર કરવા કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યા છે. તાજેતરમાં 31 જાન્યુઆરી 2026ના રોજ છારી ઢાંઢને રામસર દરજ્જો મળ્યો છે. ગુજરાત સ્ટેટ વેટલેન્ડ અથોરિટી (GSWA)ની ત્રીજી બેઠકમાં ગ્રાઉન્ડ ટ્રુથિંગ, ડિમાર્કેશન અને શહેરી વેટલેન્ડ્સની ઓળખ પર ભાર મૂકાયો હતો.

પોરબંદર – વેટલેન્ડ્સનું મહત્વપૂર્ણ કેન્દ્ર

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર જિલ્લો પોરબંદર પક્ષી અભયારણ્ય અને ગોસાબારા-મોકરસાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ માટે જાણીતું છે. આ વિસ્તારો સ્થાયી તેમજ યાયાવર પક્ષીઓ, સમુદ્રી કાચબા અને અન્ય જીવો માટે આશ્રયસ્થાન પૂરું પાડે છે. ગીર ફાઉન્ડેશન ગુજરાત માટે વેટલેન્ડ્સની નોડલ એજન્સી તરીકે કાર્યરત છે અને 2016-17 થી સતત આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ વેટલેન્ડ સંરક્ષણ, જાગૃતિ અને નીતિ નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now