ઇરાનમાં કથિત ગુજરાતીઓ સાથે બનેલી દુઃખદ ઘટના બાદ હવે નવો ખુલાસો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, હજુ પણ 6 ગુજરાતી નાગરિકો ઇરાનમાં ફસાયેલા છે. આ બધા લોકો ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવાના પ્રયત્નમાં હતા, પરંતુ વચ્ચે જ કેટલાક એજન્ટોના દગાથી મુશ્કેલીમાં સપડાયા છે.
13 લોકો ભારતમાંથી ગયા હતા અને...
સૂત્રો મુજબ, કુલ 13 લોકો ભારતમાંથી નીકળી 5 અલગ દેશો થઈને ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તેઓ તહેરાન એરપોર્ટ પર પહોંચ્યા બાદ પાકિસ્તાની એજન્ટોએ તેમને દગો આપી છોડી દીધા અને કેટલાકને બંધક બનાવી લીધા.
કરોડો રૂપિયાની ખંડણી આપીને છોડાવાયા: સૂત્રો
અગાઉ 4 કથિત ગુજરાતીઓને બંધક બનાવાયા હતા, જેમને બાદમાં કરોડો રૂપિયાની ખંડણી આપીને છોડાવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત 3 લોકો પહેલા જ સુરક્ષિત રીતે પાછા આવી ગયા હતા, પરંતુ હવે પણ 6 લોકો ઇરાનમાં ફસાયેલા છે, અને તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
વિદેશમાં ગેરકાયદેસર રીતે જવાના જોખમો
ઘટનાની જાણ થયા બાદ ભારતીય દૂતાવાસ અને સરકાર દ્વારા સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. પરિવારજનો પણ પ્રિયજનોની વતન વાપસી માટે સરકારને મદદની અપીલ કરી રહ્યા છે. આ ઘટના ફરી એક વાર વિદેશમાં ગેરકાયદેસર રીતે જવાના જોખમો પર પ્રકાશ પાડે છે.






