અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની નોટિસ જાહેર કરી છે. નવો ટેરિફ નિયમ 27 ઑગસ્ટની મધરાતે 12:01 વાગ્યાથી અમલમાં આવશે. ટ્રમ્પે આ નિર્ણય ભારત દ્વારા રશિયા પાસેથી સતત તેલની ખરીદી સામેના વિરોધ સ્વરૂપ લીધો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું છે કે ભારતનું રશિયા પાસેથી તેલ ખરીદવું અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગ મારફતે આ ટેરિફની જાહેરાત કરી છે. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ હવે તેને વધારીને 50 ટકા કરી દીધો છે.
ટ્રમ્પે કર્યો દબાણનો પ્રયાસ
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રશિયા સાથે વેપાર કરનાર દેશો પર દબાણ લાવશે. તેમની દલીલ છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરૂં પાડી રહ્યું છે.
ટ્રમ્પે તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરી હતી.
તેમ છતાં, ભારત-રશિયા વચ્ચેની મજબૂત મિત્રતા અને ઊર્જા વેપાર સંબંધો ચાલુ છે.
ભારતનો પ્રતિભાવ
ભારતના વિદેશ મંત્રાલયે આ ટેરિફને અન્યાયી અને ખોટો ગણાવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તેલ ખરીદી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું:
“ભારત જ્યાંથી સસ્તું તેલ મળશે ત્યાંથી ખરીદશે.”
“ખેતી અને ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર કોઈ સમાધાન થઈ શકતું નથી.”
ટ્રેડ ડીલ અટકી
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થવાનો હતો, પરંતુ ટ્રમ્પની જીદને કારણે અટકી ગયો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રને સંપૂર્ણપણે અમેરિકન બજાર માટે ખોલે, પરંતુ ભારત તેના માટે તૈયાર નથી.





