Car windshield : કારની વિન્ડશિલ્ડ એટલે કે, આગળનો કાચ માત્ર પવન અને ધૂળથી રક્ષણ આપવા માટે જ નથી, પરંતુ સુરક્ષિત ડ્રાઇવિંગ માટે તેનું સ્વચ્છ હોવું પણ અનિવાર્ય છે. જો વિન્ડશિલ્ડ પર સહેજ પણ સ્ક્રેચ હોય, તો તે માત્ર દેખાવમાં જ ખરાબ નથી લાગતી, પણ રાત્રિના સમયે સામેથી આવતી લાઈટના પ્રકાશને વિખેરી નાખે છે. આના કારણે ડ્રાઇવરને જોવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે. જો તમે ઇચ્છો છો કે, તમારી કારનો કાચ હંમેશા નવા જેવો ચમકતો રહે, તો નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વાઇપર બ્લેડની નિયમિત તપાસ
વિન્ડશિલ્ડ પર સ્ક્રેચ પડવાનું સૌથી મોટું કારણ જૂની કે ખરાબ થઈ ગયેલી વાઇપર બ્લેડ હોય છે. સમય જતાં વાઇપરનું રબર સખત થઈ જાય છે અથવા તેમાં ઝીણી માટી ભરાઈ જાય છે. જ્યારે તમે આવા વાઇપર ચલાવો છો, ત્યારે તે કાચ પર ઘસરકા પાડે છે.
ટિપ : વાઇપર બ્લેડને સમયાંતરે તપાસતા રહો. જો તે ચલાવતી વખતે અવાજ કરે, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ.
સૂકા કાચ પર વાઇપર ક્યારેય ન ચલાવો
ઘણીવાર આપણે કાચ સાફ કરવા માટે સીધા વાઇપર ચાલુ કરી દઈએ છીએ, જે ખોટું છે. કાચ પર જામેલી સૂકી ધૂળ રેતીની જેમ કામ કરે છે. સૂકા કાચ પર વાઇપર ફેરવવાથી તેના પર બારીક લીટા પડી જાય છે.
ટિપ : પહેલા કાચ પરની ધૂળને હળવા હાથે કપડાથી સાફ કરો. ત્યારબાદ પાણીનો છંટકાવ (Spray) કરીને જ વાઇપરનો ઉપયોગ કરો.
સફાઈ માટે યોગ્ય કાપડનો ઉપયોગ
આપણે ઘણીવાર ઘરના જૂના કે ગંદા કપડાથી કારનો કાચ સાફ કરતા હોઈએ છીએ. સામાન્ય કપડાના રેસા કાચ પર પણ નિશાન છોડી શકે છે અને તેનાથી પૂરી સફાઈ પણ થતી નથી.
ટિપ : હંમેશા માઇક્રોફાઇબર ક્લોથ (Microfiber Cloth) નો જ ઉપયોગ કરો. તે નરમ હોય છે અને કાચ પર કોઈ પણ પ્રકારના સ્ક્રેચ પાડ્યા વગર તેને ચમકાવે છે.
વધારાની સુરક્ષા
જો તમે હાઈવે પર વધુ મુસાફરી કરો છો, તો હવામાં ઉડતા કાંકરા કે પથ્થર વિન્ડશિલ્ડ સાથે અથડાઈને તેમાં તિરાડ પાડી શકે છે. આનાથી બચવા માટે માર્કેટમાં પ્રોટેક્શન ગાર્ડ ઉપલબ્ધ છે.
ટિપ : તમે વિન્ડશિલ્ડ પર મજબૂત લોખંડની જાળી અથવા પ્રોટેક્શન ફિલ્મ લગાવી શકો છો. આ સુરક્ષા કવચ કાચને પથ્થરોથી થતા નુકસાનથી બચાવશે.




















