Hyundai and Mahindra : ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં નાણાકીય વર્ષ 2026 એક મોટા પરિવર્તનનું સાક્ષી બન્યું છે. ભારતીય ગ્રાહકો હવે સામાન્ય ગાડીઓ છોડીને SUV તરફ આગળ વધી રહ્યા છે. આ બદલાવનો સૌથી મોટો ફાયદો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને થયો છે. લાંબા સમયથી બીજા નંબરે રહેતી હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાને પછાડીને મહિન્દ્રા હવે વેચાણની રેસમાં આગળ નીકળી ગયું છે. હ્યુન્ડાઇ પાસે ભલે ઘણી બધી વેરાયટી હોય, પરંતુ મહિન્દ્રાની મજબૂત SUV માર્કેટમાં સુપરહિટ સાબિત થઈ છે.
મહિન્દ્રાની શાનદાર તેજી
નાણાકીય વર્ષ 2026 મહિન્દ્રા માટે સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. કંપનીએ આ વર્ષે કુલ 6,60,276 SUV વેચી છે, જે ગયા વર્ષના 5,51,487 યુનિટની સરખામણીએ 20 ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે. માત્ર માર્ચ 2026 ની વાત કરીએ તો, મહિન્દ્રાએ 60,272 ગાડીઓ વેચી છે, જે ગયા વર્ષના માર્ચ મહિના કરતાં 25 ટકા વધુ છે. સ્કોર્પિયો-N, થાર, XUV700 અને બોલેરો જેવી ગાડીઓની સતત માંગને કારણે મહિન્દ્રા કંપની આજે ટોપ પટ પહોંચી ગઈ છે.
હ્યુન્ડાઇનું નબળું પ્રદર્શન
બીજી તરફ, દક્ષિણ કોરિયન કંપની હ્યુન્ડાઇ માટે આ વર્ષ મિશ્ર રહ્યું છે. કંપનીના વેચાણમાં મહિન્દ્રા જેવી આક્રમકતા જોવા મળી નથી. જોકે હ્યુન્ડાઇએ છેલ્લા ક્વાર્ટરમાં 8.5 ટકાની વૃદ્ધિ નોંધી છે, પરંતુ વાર્ષિક ધોરણે તેનું પ્રદર્શન હરીફોની તુલનામાં મર્યાદિત રહ્યું છે. ક્રેટા અને વેન્યુ જેવી ગાડીઓ હોવા છતાં, મહિન્દ્રાની જેવી મજબૂત SUV લાઇનઅપ હોવાને કારણે હ્યુન્ડાઇનું વેચાણ આ વર્ષે ધીમું રહ્યું છે
વ્યૂહરચનામાં મોટો તફાવત
બંને કંપનીઓની કામ કરવાની પદ્ધતિમાં ઘણો તફાવત છે. હ્યુન્ડાઇ પાસે હેચબેકથી લઈને સેડાન સુધીનો મોટો પોર્ટફોલિયો છે, જે શહેરના ગ્રાહકોને આકર્ષે છે. જ્યારે મહિન્દ્રાએ માત્ર અને માત્ર મજબૂત SUV પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. થાર, સ્કોર્પિયો ક્લાસિક અને XUV સિરીઝના કારણે મહિન્દ્રાએ લોકોના મનમાં એક મજબૂત ઓળખ બનાવી છે. આજનો ભારતીય ગ્રાહક ફીચર્સની સાથે મજબૂતી પણ ઈચ્છે છે, જે મહિન્દ્રા પૂરી પાડી રહ્યું છે.
ભવિષ્યનું ચિત્ર
FY26 ના આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતમાં હવે SUV એ માત્ર એક પસંદગી નથી, પરંતુ જરૂરિયાત બની ગઈ છે. મહિન્દ્રાએ આ ટ્રેન્ડને વહેલો સમજી લીધો અને તેનો ફાયદો ઉઠાવ્યો. હવે જોવાનું એ રહેશે કે હ્યુન્ડાઇ પોતાની SUV લાઇનઅપને કેટલી ઝડપથી મજબૂત બનાવે છે અને શું મહિન્દ્રા પોતાની આ નંબર 1 ની ગતિ જાળવી રાખવામાં સફળ રહે છે કે નહીં.





