Home International 4 Day Work Culture

GOOD NEWS: 5 પછી હવે આવ્યો 4 ડે વર્ક કલ્ચર : આટલી કંપનીઓએ નિયમ કર્યો લાગુ

GOOD NEWS: 5 પછી હવે આવ્યો 4 ડે વર્ક કલ્ચર
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 05:09 AM IST

ભારતમાં એક તરફ કેટલાક લોકો અઠવાડિયામાં 70થી 90 કલાક કામ કરવાની સલાહ આપી રહ્યા છે, તો બીજી તરફ બ્રિટનમાં ઓછામાં ઓછી 200 કંપનીઓએ એવો નિર્ણય લીધો છે, જેનાથી કર્મચારીઓને મજા પડી જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુનાઇટેડ કિંગડમમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા, ઓછામાં ઓછી 200 બ્રિટિશ કંપનીઓએ પગારમાં ઘટાડો કર્યા વગર તેમના કર્મચારીઓ માટે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનો નિયમ લાગુ કર્યો છે. આ બદલાવને 4 ડે વીક ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને તેમાં માર્કેટિંગ, ટેક્નોલોજી, ચેરિટી અને IT ક્ષેત્રની કંપનીઓની મજબૂત ભાગીદારી છે.

4 દિવસની કાર્ય પદ્ધતિને ટેકો આપતા લોકો માને છે કે 5 દિવસની વર્ક પેટર્ન જૂના આર્થિક યુગથી વારસામાં મળી છે અને તેને બદલવાની જરૂર છે. 4 ડે વીક ફાઉન્ડેશનના પ્રચાર નિર્દેશક જો રાયલના જણાવ્યા અનુસાર, "9-5 વર્ક પેટર્ન 100 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને તે હવે આધુનિક સમય માટે યોગ્ય નથી." રાયલે કહ્યું કે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને વધુ ફ્રી સમય મળશે અને વધુ સારું જીવન જીવવાની સ્વતંત્રતા તેમને મળશે.

કઈ કઈ કંપનીઓ ફેરફાર કરી રહી છે?
આ નિર્ણય સૌપ્રથમ માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ અને પ્રેસ રિલેશન્સ સંબંધિત 30 કંપનીઓ દ્વારા લેવામાં આવ્યો છે. આ પછી, ટેક્નોલોજી, IT અને સોફ્ટવેર કંપનીઓએ પણ તેને અપનાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 200 કંપનીઓએ અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો નિયમ લાગુ કર્યો છે, જેમાં લંડનની 59 કંપનીઓ સામેલ છે.

4 ડે વર્ક કલચરને મળી રહ્યું છે સમર્થન
લેબર પાર્ટીના કેટલાક નેતાઓએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. એક સર્વે અનુસાર, 18 થી 34 વર્ષની વચ્ચેના લોકો અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાના નિયમને વધુ યોગ્ય માને છે. લગભગ 78 ટકા યુવાનો માને છે કે આગામી પાંચ વર્ષમાં આ પેટર્ન લોકો અપનાવી લેશે.

માત્ર 4 દિવસ કામ કરવાનો ફાયદો
સ્પાર્ક માર્કેટ રિસર્ચના સર્વેક્ષણ મુજબ, યુવાનો કહે છે કે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ચાર દિવસ કામ કરવાથી લાઈફસ્ટાઈલ તેમજ ક્વોલિટી લાઈફ જીવી શકાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now