Operation Checkmate Indian Drivers Deportation: અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અને કોમર્શિયલ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા ભારતીય નાગરિકો સામે અમેરિકન સત્તાવાળાઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન 'ઓપરેશન ચેકમેટ' દરમિયાન 30 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ તમામ ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અને જાહેર સુરક્ષાને લઈને ટ્રમ્પ પ્રશાસન સતત કડક વલણ અપનાવી રહ્યું છે. આવા સમયે થયેલી આ કાર્યવાહી ભારતીય સમુદાય માટે પણ ચર્ચાનો વિષય બની છે.
'ઓપરેશન ચેકમેટ' હેઠળ 52 લોકોની અટકાયત
CBP દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 11 મેથી 15 મે દરમિયાન એરિઝોના રાજ્યના યુમા સેક્ટરમાં 'ઓપરેશન ચેકમેટ' નામે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 52 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, 36 લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા અને ભારે કોમર્શિયલ ટ્રકો ચલાવી રહ્યા હતા. આ 36 લોકોમાંથી 30 ભારતીય નાગરિકો હોવાનું સામે આવ્યું છે.
અન્ય દેશોના નાગરિકો પણ ઝડપાયા
અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા બાકીના લોકોમાં મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન કેટલાક લોકો પાસે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વર્જિનિયા અને વોશિંગ્ટન જેવા રાજ્યોમાંથી જારી કરાયેલા કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા, જ્યારે કેટલાક પાસે કોઈ માન્ય લાઇસન્સ જ નહોતું.
આ પણ વાંચો: અમેરિકામાં 30 ભારતીય ટ્રક ડ્રાઇવરોની ધરપકડ: મંડરાયો દેશનિકાલનો ખતરો! શું છે સંપૂર્ણ કેસ?
સમાપ્ત થયેલા વર્ક પરમિટ છતાં કરી રહ્યા હતા કામ
CBPના જણાવ્યા અનુસાર અનેક આરોપીઓ પાસે અગાઉ જારી કરાયેલા રોજગાર અધિકૃતતા દસ્તાવેજો હતા, પરંતુ તેમની માન્યતા સમાપ્ત થઈ ચૂકી હતી. તેમ છતાં તેઓ અમેરિકામાં રહીને કોમર્શિયલ વાહનો ચલાવી રહ્યા હતા. આ કારણોસર તેમને ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ ગેરકાયદેસર રહેવાસી તરીકે ગણવામાં આવ્યા છે.
માર્ગ સલામતી માટે જોખમ ગણાવ્યા
યુમા સેક્ટરના એક્ટિંગ ચીફ પેટ્રોલ એજન્ટ ડસ્ટિન કોડલે જણાવ્યું કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે જણાવ્યું કે, ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા અને ભારે વાહનો ચલાવતા લોકો માર્ગ સલામતી માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. આવા લોકો સામે કાર્યવાહી કરીને રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિ
આ સમગ્ર કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. ટ્રમ્પ પ્રશાસને છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમર્શિયલ ટ્રક અને બસ ઓપરેશન માટેના નિયમોને વધુ કડક બનાવ્યા છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે, ઇમિગ્રેશન કાયદાઓના કડક અમલથી માત્ર ગેરકાયદેસર વસવાટ જ નહીં પરંતુ માર્ગ અકસ્માતો અને જાહેર સુરક્ષા સંબંધિત જોખમોમાં પણ ઘટાડો કરી શકાય છે.
આ પણ વાંચો: 'જો હું ન હોત તો તું જેલમાં હોત...': નેતન્યાહૂ પર ફાટ્યો ટ્રમ્પનો ગુસ્સો! સામે આવ્યા ચોંકાવનારા દાવા
દેશનિકાલની કાર્યવાહી શરૂ
અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ધરપકડ કરાયેલા તમામ 52 લોકો સામે ફેડરલ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ભારતીય નાગરિકો સહિતના ગેરકાયદેસર રહેવાસીઓને તેમના મૂળ દેશમાં પરત મોકલવા માટે ડિપોર્ટેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ અમેરિકન એજન્સીઓ હવે અન્ય રાજ્યોમાં પણ તપાસ ચલાવી રહી છે કે ક્યાંક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ કોમર્શિયલ વાહનો ચલાવી રહ્યા છે કે નહીં.





