રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાત કોંગ્રેસના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક સભા દરમિયાન પોતાની જ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ઘણા નેતાઓને ભાજપની બી-ટીમ પણ ગણાવવામાં આવી હતી. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું કે કોંગ્રેસમાં ઘણા સિંહ છે, પરંતુ બધા સાંકળોથી બંધાયેલા છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે ગુજરાત અટવાયું છે, તે બહાર નીકળવાનો રસ્તો જોઈ શકતો નથી, ગુજરાતે આગળ વધવું જોઈએ. રાહુલે કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું કહું છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો બતાવવામાં અસમર્થ છે અને હું શરમથી બોલી રહ્યો નથી, હું ડરથી બોલતો નથી, હું તમારી સમક્ષ એ મૂકવા માંગુ છું કે તે અમારા કાર્યકરો હોય, રાહુલ ગાંધી હોય, અમારા મહાસચિવ હોય, અમારા PCC પ્રમુખ હોય, અમે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ.
રાહુલે સંગઠનમાં મોટા ફેરફારોનાં સંકેત આપ્યા-
રાહુલ ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે અને કહ્યું છે કે જો 10, 20, 30 થી 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવા હોય તો કરવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાઓને લગ્નની જાનમાં મૂકે છે અને જે ઘોડા જાનમાં નાચનારા હોય તેને રેસમાં દોડાવવામાં આવે છે. રાહુલ ગાંધી માત્ર આટલેથી જ ન અટક્યા, તેમણે પોતાના નેતાઓને આડે હાથ લીધા અને કહ્યું કે એવા ઘણા મોટા નેતા છે જેઓ અલગ-અલગ સ્તરે પ્રમુખ બન્યા છે. જિલ્લા પ્રમુખ હોય કે બ્લોક પ્રમુખ, તેમની વચ્ચે બે પ્રકારના નેતાઓ હોય છે. પ્રથમ, જેઓ જનતા સાથે સીધા જોડાયેલા છે અને જેમના દિલમાં કોંગ્રેસ છે. બીજા પ્રકારના નેતાઓ એવા છે જેઓ જનતાથી કપાઈ ગયા છે, તેઓને પ્રજાના પ્રશ્નોની કંઈ ખબર નથી, તેઓ જનતાની વચ્ચે પણ નથી જતા અને તેમાંથી અડધા એવા છે જેઓ ભાજપ માટે કામ કરે છે.






