Tapi Accident: ગુજરાતમાં રસ્તાઓ પર મોતનું તાંડવ સતત વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઉચ્છલ-નિઝર હાઈવે પર બે મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નિઝરના ગામડી ગામની સીમમાં આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ હૃદયદ્રાવક મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં રૂમકિતલાવ ગામના બે અને વેડાપાડા ગામના એક યુવકે જીવ ગુમાવ્યો છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાળના પંજામાં આવી ગયેલા ત્રણેય યુવકોએ જીવ છોડી દીધો હતો.
સામસામે બાઈક અથડાતા સર્જાઈ ભીષણ દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉચ્છલ-નિઝર હાઈવે પર ગામડી ગામની સીમમાં બે બાઈક સવારો સામસામે આવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર બંને બાઈક વચ્ચે પ્રચંડ અથડામણ થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં રૂમકિતલાવના શ્રાવણ વસાવા અને સંદીપ વસાવા તેમજ વડપાડા ગામના ઋષિકેશ વળવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
એક યુવકની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ ગોઝારા અકસ્માતમાં અન્ય એક યુવક વિનુ વળવી (રહે. રૂમકિતલાવ) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ મિત્રોના અકાળે અવસાનથી મુંધવા અને વસાવા પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
નિઝર પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નિઝર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હળવી કરી હતી. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે અકસ્માત પાછળ અતિશય ઝડપ જવાબદાર હતી કે કેમ.





