Home Gujarat 24 June 2026 Gujarat News Updates Live Weather Report Crime And Politics

Live24 June 2026 Gujarat Latest News : જાણો ગુજરાતના આજના તમામ મહત્ત્વના સમાચારો

Gujarat News Updates
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2026, 07:01 AM IST

24 June 2026 Gujarat News Updates Live : આજે 24 જૂન 2026ને બુધવાર. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
06:20 AM24 જૂન 2026

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ, આહવા અને સાપુતારામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર

અહવા: ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની સવારી યથાવત રહેતાં સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સાપુતારા, વઘઈ અને આહવા સહિતના તમામ વિસ્તારોમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે સમગ્ર પહાડી વિસ્તારમાં નયનરમ્ય અને ઠંડકભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પર થોડી અસર પડી છે, પરંતુ ખેતીકામ માટે આ અમૃત સમાન વરસાદ સાબિત થતાં ધરતીપુત્રોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે. અનુકૂળ માહોલ મળતાં જ ખેડૂતોએ હવે ખરીફ પાકની વાવણીની કામગીરીને વેગ આપવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

06:15 AM24 જૂન 2026

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પરના ટેક્સમાં મોટી રાહત, નાણાં વિભાગે જાહેરનામું બહાર પાડી ટેક્સ કર્યો માફ

ગાંધીનગર: ગિફ્ટ સિટીને ગ્લોબલ હબ બનાવવાના હેતુથી ગુજરાત સરકારના નાણાં વિભાગે એક મોટો નિર્ણય લેતા વિદેશી દારૂ પરના કરમાં મોટી રાહત આપી છે. નવી પોલિસી અને જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર વસૂલાતો ટેક્સ જો ૨૫ પૈસા પ્રતિ રૂપિયા કરતાં વધુ હશે, તો તે વધારાનો કર માફ કરવામાં આવશે. ગુજરાત વેટ (VAT) એક્ટમાં સુધારા સાથે લાવવામાં આવેલી આ રાહતનો લાભ માત્ર ગિફ્ટ સિટીની હદમાં મંજૂર થયેલા પ્રદેશ અને FL-3 લાયસન્સ ધરાવતી હોટેલ્સ, ક્લબ તથા રેસ્ટોરન્ટ્સને જ મળશે. આ નિર્ણયથી વૈશ્વિક રોકાણકારો, વિદેશી મુલાકાતીઓ માટે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી વધુ અનુકૂળ બનશે અને લોકલ આતિથ્ય સત્કાર ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે.

06:10 AM24 જૂન 2026

મોહરમના તહેવાર નિમિત્તે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ભાઈચારા સાથે પર્વ ઉજવવા કરાઈ અપીલ

સુરત: આગામી ૨૬ જૂનના રોજ શહેરમાં ઉજવાનારા મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તમામ ધર્મના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આ પવિત્ર પર્વને સુખ, શાંતિ અને પરસ્પર ભાઈચારા સાથે ઉજવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પક્ષો વચ્ચે સંકલન અંગે ચર્ચા થઈ હતી, જેમાં સ્થાનિક આગેવાનોએ પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવાની ખાતરી આપી છે.

06:09 AM24 જૂન 2026

નર્મદાના સાગબારા અને સેલંબામાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ, મહિનો જૂનું નાળું ધોવાતા મહારાષ્ટ્ર જતો રસ્તો બંધ

નર્મદા: જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી આભ ફાટતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ નદીઓ છલકાઈ જતાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે પ્રવાહને કારણે સેલંબા પાસે માત્ર એક મહિના પહેલાં જ બનેલું નાળું ધોવાઈ ગયું છે, જેના લીધે સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે જિલ્લાના અન્ય પાંચ તાલુકા કોરાધાકોર છે અને ત્યાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. જો કે, સમગ્ર નર્મદા જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે.

06:08 AM24 જૂન 2026

ભરૂચના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધશે, કોર્ટે નોટિસ પાઠવી ૨૯ જુલાઈએ હાજર રહેવા મોકલ્યું તેડું

ભરૂચ: આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીઓમાં મોટો વધારો થવાના સંકેત મળી રહ્યા છે. પોલીસ વિભાગની છબી ખરડાય તેવા વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલે ભરૂચ કોર્ટે તેમની સામેની કાર્યવાહી આગળ ધપાવી છે. કોર્ટે ચૈતર વસાવાને સત્તાવાર નોટિસ પાઠવીને આગામી ૨૯ જુલાઈએ અદાલતમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા હાલ જેલમાં હોવાથી કોર્ટે આ નોટિસની બજવણી જેલ પ્રશાસન મારફતે જ કરવા સૂચના આપી છે. આ હાઈપ્રોફાઈલ મામલે આગામી સુનાવણી દરમિયાન તેમની પ્રત્યક્ષ હાજરી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

05:35 AM24 જૂન 2026

વડોદરાના સોમા તળાવ બ્રિજ નીચેથી અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

વડોદરા: શહેરના સોમા તળાવ બ્રિજ નીચે આવેલા ઘાઘરેટીયા વિસ્તારમાંથી આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને મોતનું સાચું કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

05:33 AM24 જૂન 2026

જામનગરની શ્રીજી શિપિંગે ગાંધીધામના ઉદ્યોગપતિ સામે કરી કરોડોની છેતરપિંડીની ફરિયાદ

જામનગર: શહેરમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની જાણીતી 'શ્રીજી શિપિંગ' કંપનીના અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલે ગાંધીધામની 'મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી'ના ડાયરેક્ટર ચંદનકુમાર મહેશ્વરી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ શ્રીજી શિપિંગ અને સિદ્ધિ મરીન સર્વિસીસ પાસેથી બાર્જ, ટગ ભાડા અને મરીન સેવાઓ પેટે કરોડો રૂપિયાની સેવાઓ લીધી હતી, જેના અનુક્રમે ₹૨.૫૬ કરોડ અને ₹૧૩.૭૩ કરોડ ચૂકવ્યા નથી. આ ઉપરાંત, નરોતમકા કોમોડિટીઝ પાસેથી લીધેલી લોનના ₹૪.૨૬ કરોડ પણ પરત કર્યા નથી. આમ, વિવિધ સેવાઓ અને લોન મળીને કુલ ₹૨૦.૫૬ કરોડથી વધુની રકમ ઓળવી જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

04:57 AM24 જૂન 2026

અમિત શાહ ૩ દિવસની મુલાકાતે આવશે, અમદાવાદ-ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આગામી ૨૬થી ૨૮ જૂન દરમિયાન ત્રણ દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. તેઓ ૨૬ જૂનની સાંજે અમદાવાદ આવી પહોંચશે, ત્યારબાદ બંને પાટનગરમાં વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. ૨૭ જૂને સવારે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે અને સાંજે રાણીપમાં વિકાસ કાર્યોના લોકાર્પણ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેશે. મુલાકાતના અંતિમ દિવસે એટલે કે ૨૮ જૂને, શાહ સ્વામિનારાયણ શાળાના કાર્યક્રમ સહિત રાજકીય અગ્રણીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે. જેને પગલે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

04:38 AM24 જૂન 2026

અમદાવાદ ટ્રાફિક અપડેટ: સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડી નવો બનાવાશે, વાહનચાલકોએ ૨૦૨૭ સુધી જોવી પડશે રાહ

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક માટે મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે ઇતિહાસ બની જશે. કન્સલ્ટન્ટના નવા અભિપ્રાય મુજબ, આ બ્રિજના ગર્ડર અને સ્પાનમાં તિરાડો હોવાની સાથે પિલર પણ અત્યંત જૂના થઈ ગયા છે. તેથી માત્ર ઉપરનો ભાગ નહીં, પરંતુ આખો બ્રિજ પિલર સહિત સંપૂર્ણપણે તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે આજે સાંજે મ્યુનિસિપલ કમિશનર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ડિમોલિશનની આખરી યોજના નક્કી કરશે. જો કે, આ કવાયતને કારણે નવો બ્રિજ તૈયાર થવામાં વિલંબ થશે અને અમદાવાદીઓએ એપ્રિલ ૨૦૨૭ સુધી રાહ જોવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now