Home Gujarat 14th International Flower Show 2026 Grand Opening At The Riverfront

રિવરફ્રન્ટ પર 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ : CMએ ઉદ્ઘાટન કરી ફ્લાવર શોને નિહાળ્યો, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

રિવરફ્રન્ટ પર 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 07:48 AM IST

Ahmedabad Flower Show-2026 : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. નવા વર્ષની શરૂઆતને રંગીન અને સુગંધિત બનાવતો આ ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યો. ફ્લાવર શો શરૂ થતાં જ શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.

આજથી ફ્લાવર શોનો આરંભ

આ વર્ષે ફ્લાવર શો "ભારત એક ગાથા" અને "સ્ત્રી સશક્તિકરણ" ની થીમ પર આયોજન કરવામાં આવ્યો છે. શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક ભારતની સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલોથી અદભુત રીતે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓને ભારતીય ઇતિહાસ, પરંપરા અને વિકાસની અનોખી ઝલક જોવા મળશે. ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ છે, જે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક દર્શાવે છે. સાથે જ લોખંડના પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર (ફ્લાવર પોટ્રેટ) અહીં રજૂ કરવામાં આવ્યું છે, જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરવામાં આવશે.

ફ્લાવર શોને 6 અલગ-અલગ ઝોનમાં વહેચવામાં આવ્યો

આ ફ્લાવર શોને કુલ 6 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય એકતા, પૌરાણિક કથાઓ, ભારતના વિવિધ લોકનૃત્યો, આધુનિક ભારત, સ્ત્રી સશક્તિકરણ અને બાળકો માટે ખાસ તૈયાર કરાયેલ વિશેષ ઝોનનો સમાવેશ થાય છે. દરેક ઝોનમાં ફૂલોથી બનેલા અનોખા પ્રકલ્પો દર્શકોનું મન મોહી લે તેવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને નાગરિકો માટે સત્તાવાર રીતે ખુલ્લો મુક્યો હતો. આ અવસરે તેમની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, ભાજપના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, ભાજપના કોર્પોરેટરો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકોના આકર્ષણનું કેન્દ્ર

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાવર શો શહેરવાસીઓ અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યો છે. રંગબેરંગી ફૂલો, કલાત્મક રજૂઆત અને રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતી થીમને કારણે સાબરમતી રિવરફ્રન્ટ ફરી એકવાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now