Home National 13 May History India Parliament Pokhran Test Gujarati

આજે 13 મે : સ્વતંત્ર ભારતનું પ્રથમ સંસદ સત્ર, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

13 May History, Today History Gujarati
Published by: Vishal Dave
Last Updated: May 13, 2026, 02:30 AM IST

ઇતિહાસના પાનાઓમાં 13 મેનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના દિવસે સ્વતંત્ર ભારતનું પ્રથમ સંસદ સત્ર શરૂ થયું હતું, જ્યારે વર્ષ 1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ સિવાય પણ 13 મેના દિવસે વિશ્વ અને ભારતના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી.

ચાલો જાણીએ 13 મેના દિવસે ઇતિહાસમાં નોંધાયેલા મહત્વપૂર્ણ બનાવો, જાણીતા લોકોની જન્મજયંતિ અને પુણ્યતિથિ વિશે.

13 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

1643માં ચિલીમાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપમાં સેન્ટિયાગોની લગભગ એક તૃતીયાંશ વસ્તીનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે.

1648માં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાનું બાંધકામ પૂર્ણ થયું હતું. મુગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલો આ કિલ્લો આજે પણ ભારતની ઐતિહાસિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે.

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 13 મે, 1952નો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદનું સત્ર આ જ દિવસે શરૂ થયું હતું. રાજ્યસભાની રચના 3 એપ્રિલ, 1952ના રોજ કરવામાં આવી હતી અને તેનું પ્રથમ સત્ર 13 મેના રોજ યોજાયું હતું. ત્યારબાદ પ્રથમ લોકસભાનું સત્ર પણ આ જ દિવસે શરૂ થયું હતું.

તે દિવસે લોકસભાના પ્રથમ સ્પીકર જી.વી. માવલંકરે સાંસદોને શપથ લેવડાવ્યા હતા. તેમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સહિત અનેક અગ્રણીઓ સામેલ હતા. આ ઘટના ભારતીય લોકશાહીની મજબૂત શરૂઆત તરીકે જોવામાં આવે છે.

વર્ષ 1962માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ શિક્ષણવિદ અને દાર્શનિક તરીકે પણ વિશ્વભરમાં જાણીતા રહ્યા હતા.

1995માં ચેલ્સિયા સ્મિથે મિસ યુનિવર્સ 1995નો ખિતાબ જીત્યો હતો.

ભારતના વૈજ્ઞાનિક ઇતિહાસમાં 13 મે, 1998નો દિવસ અત્યંત મહત્વનો રહ્યો હતો. આ દિવસે રાજસ્થાનના પોખરણમાં ભારતે બે પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આ પરીક્ષણો દ્વારા ભારતે પોતાની પરમાણુ ક્ષમતાનો વિશ્વ સમક્ષ શક્તિશાળી પરિચય આપ્યો હતો.

આ પરીક્ષણો બાદ અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભારત સામે કડક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જાપાને પણ ભારતને આપવામાં આવતી કેટલીક સહાય પર રોક લગાવી હતી. જોકે, આ ઘટનાએ ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી હતી.

1999માં જાપાનના વિદ્યાર્થી કે નાગુયી વિશ્વના સાત સૌથી ઊંચા શિખરો સર કરનાર સૌથી યુવાન પર્વતારોહક બન્યા હતા.

વર્ષ 2000માં ભારતની લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું.

2003માં સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં આત્મઘાતી હુમલામાં 29 લોકોનાં મોત થયા હતા.

2008માં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના તમામ નવ મંત્રીઓએ ન્યાયાધીશોની પુનઃસ્થાપનાના મુદ્દે રાજીનામું આપ્યું હતું.

2010માં ભારતીય સામાજિક કાર્યકર ઇલા ભટ્ટને પ્રતિષ્ઠિત નિવાનો શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

2017માં WannaCry Ransomware હુમલાએ વિશ્વના 100થી વધુ દેશોને અસર કરી હતી. આ સાયબર હુમલાને વિશ્વના સૌથી મોટા રેન્સમવેર હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.

13 મેના દિવસે જન્મેલા જાણીતા લોકો

13 મેના દિવસે અનેક જાણીતા લોકોનો જન્મ થયો હતો. તેમાં સ્વતંત્રતા સેનાની મથુરા પ્રસાદ મિશ્ર વૈદ્ય, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ અને ઓડિયા ભાષાના જાણીતા લેખક સચ્ચિદાનંદ રાઉતરાયનો સમાવેશ થાય છે.

હિન્દી ફિલ્મોના જાણીતા હાસ્ય કલાકાર અસિત સેનનો પણ આજે જ જન્મદિવસ છે. પ્રસિદ્ધ ભરતનાટ્યમ નૃત્યાંગના ટી. બાલાસરસ્વતીનો જન્મ પણ 13 મેના દિવસે થયો હતો.

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકર, ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય અને રાજકારણી બિશન સિંહ ચુફાલનો જન્મ પણ આજના દિવસે થયો હતો.

વિશ્વપ્રસિદ્ધ બ્રિટિશ ડૉક્ટર અને નોબેલ પારિતોષિક વિજેતા રોનાલ્ડ રોસનો જન્મ પણ 13 મેના દિવસે થયો હતો.

13 મેની પુણ્યતિથિ

આજના દિવસે અનેક જાણીતા વ્યક્તિત્વોની પુણ્યતિથિ પણ નોંધાયેલી છે. તેમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મીડિયા ગ્રુપની અધ્યક્ષ ઇન્દુ જૈનનું નામ ખાસ મહત્વ ધરાવે છે. સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક ગુરુ બાબા હરદેવ સિંહનું અવસાન પણ આજના દિવસે થયું હતું. પ્રખ્યાત લેખક આર. કે. નારાયણ, નાટ્યકાર બાદલ સરકાર અને કવિ હસરત મોહાનીની પુણ્યતિથિ પણ 13 મેના દિવસે આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now