WhatsApp Ayushman Card: દેશના કરોડો લોકોને આરોગ્ય સુરક્ષા આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને દર વર્ષે લાખો રૂપિયાના મફત સારવાર કવરનો લાભ મળે છે. જો તમે હજુ સુધી આયુષ્માન કાર્ડ બનાવ્યું નથી, તો હવે તમારા માટે સારા સમાચાર છે. હવે આયુષ્માન કાર્ડ બનાવવા માટે સરકારી કચેરી અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) સુધી જવાની જરૂર નથી. સરકારે 'આયુષ્માન સારથી' (Ayushman Sarathi) નામનો WhatsApp ચેટબોટ શરૂ કર્યો છે, જેના દ્વારા તમે ઘરે બેઠા જ આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો, e-KYC પૂર્ણ કરી શકો છો અને તૈયાર થયેલું કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
શું છે 'આયુષ્માન સારથી' WhatsApp ચેટબોટ?
'આયુષ્માન સારથી' એક સત્તાવાર WhatsApp આધારિત ડિજિટલ સેવા છે, જેને નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ચેટબોટ PM-JAYના ડિજિટલ પ્લેટફોર્મ સાથે API આધારિત રીતે જોડાયેલ છે, જેના કારણે લાભાર્થીઓને સુરક્ષિત અને રિયલ-ટાઇમ સેવા મળી રહે છે.
આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહે છે અને તેના દ્વારા આયુષ્માન યોજના સંબંધિત અનેક કામ સરળતાથી કરી શકાય છે.
WhatsAppથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
જો તમે પાત્ર છો, તો નીચે જણાવેલા સરળ સ્ટેપ્સ અનુસરો.
સ્ટેપ 1
તમારા મોબાઇલમાં WhatsApp ખોલો.
+91 72908 23838 નંબર સેવ કરો.
હવે આ નંબર પર Hi લખીને મેસેજ મોકલો.
થોડા જ સમયમાં 'આયુષ્માન સારથી' ચેટબોટ તરફથી વિવિધ વિકલ્પો દેખાશે.
સ્ટેપ 2
Create Ayushman Card વિકલ્પ પસંદ કરો.
તમારો મોબાઇલ નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
OTP દ્વારા મોબાઇલ નંબરનું વેરિફિકેશન પૂર્ણ કરો.
ત્યારબાદ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરો.
તમામ વિગતો ચકાસ્યા પછી તમારું આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે.
ત્યારબાદ તમે તે જ WhatsApp પરથી ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
WhatsApp પર કઈ-કઈ સેવાઓ મળશે?
'આયુષ્માન સારથી' માત્ર કાર્ડ બનાવવા પૂરતું જ સીમિત નથી. આ ચેટબોટ દ્વારા તમે અનેક મહત્વપૂર્ણ સેવાઓનો લાભ લઈ શકો છો.
આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ચકાસી શકો છો.
નવા આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો.
તૈયાર થયેલું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
e-KYC પૂર્ણ કરી શકો છો.
આધાર કાર્ડ લિંક અથવા અપડેટ કરી શકો છો.
PM-JAY કાર્ડ લોક અથવા અનલોક કરી શકો છો.
70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 'આયુષ્માન વય વંદના કાર્ડ' સંબંધિત સેવાઓ મેળવી શકો છો.
યોજના હેઠળ નોંધાયેલા હોસ્પિટલોની માહિતી મેળવી શકો છો.
યોજના સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો.
આયુષ્માન કાર્ડ કેમ મહત્વનું છે?
આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર પરિવારોને નોંધાયેલ હોસ્પિટલો ખાતે રોકડ વિનાની સારવારની સુવિધા આપવામાં આવે છે. ગંભીર બીમારીઓની સારવાર દરમિયાન થતો મોટો ખર્ચ ઓછો કરવામાં આ યોજના મહત્વની ભૂમિકા ભજવે છે. ડિજિટલ સુવિધા શરૂ થતાં હવે વધુ લોકો સરળતાથી ઘરે બેઠા અરજી કરી શકશે.
આ પણ વાંચો: ન કોલ... ન OTP... : છતાં માત્ર એક ક્લિકથી સાફ થઈ જશે તમારું આખું એકાઉન્ટ! જાણો સાયબર ઠગાઈની નવી ખતરનાક ટ્રિક
અરજી કરતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો
આધાર કાર્ડ અને મોબાઇલ નંબર એકબીજા સાથે લિંક હોવા જોઈએ.
OTP મેળવવા માટે મોબાઇલ નંબર સક્રિય હોવો જરૂરી છે.
અરજી દરમિયાન દાખલ કરેલી તમામ માહિતી સાચી હોવી જોઈએ.
માત્ર પાત્ર લાભાર્થીઓને જ યોજના હેઠળ કાર્ડ આપવામાં આવે છે.





