ESMA Act: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉર્જા પુરવઠા પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 10 માર્ચ 2026ના રોજ એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ (Essential Commodities Act, 1955) લાગુ કરવાની સાથે જ તમામ તેલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન મહત્તમ કરવા આદેશ અપાયા છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલ સમયમાં ગેસની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવી લાખો પરિવારો સુધી અવિરત રાંધણ ગેસ પહોંચાડવાનો છે.
સરકારના આ આદેશ બાદ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓ હવે પ્રોપેન અને બ્યુટેન જેવા હાઇડ્રોકાર્બન પ્રવાહોને સીધા LPG પૂલમાં ડાયવર્ટ કરશે. આ વ્યૂહાત્મક ફેરફારને કારણે ઔદ્યોગિક વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા મળશે. જ્યારે દેશમાં ઉર્જા સંકટ જેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે સરકાર પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને 'ESMA' જેવા કાયદા અમલી બનાવે છે. ચાલો વિગતવાર સમજીએ કે આ કાયદો શું છે અને સામાન્ય નાગરિકો માટે તે કેટલો મહત્વનો છે.
LPG પુરવઠો જાળવવા સરકારનો માસ્ટર પ્લાન
કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલુ ગ્રાહકોને ગેસની અછત ન વર્તાય તે સુનિશ્ચિત કરવાનો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રિફાઇનરીઓમાં થતું વધારાનું LPG ઉત્પાદન અત્યારે માત્ર અને માત્ર ઘરેલુ વપરાશ માટે જ ફાળવવામાં આવશે. ભૂ-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠો ખોરવાયો હોવાથી, સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવું એ જ એકમાત્ર વિકલ્પ છે. આ નિર્ણયથી હોસ્પિટલો, હોટલો અને સામાન્ય ઘરોમાં ગેસની ડિલિવરી સુરક્ષિત બનશે.
શું છે ESMA કાયદો? (Essential Services Maintenance Act)
એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ, જેને ટૂંકમાં ESMA તરીકે ઓળખવામાં આવે છે, તે સરકારનું એક એવું શસ્ત્ર છે જે જાહેર હિતમાં અનિવાર્ય સેવાઓને અટકતી રોકે છે. આ કાયદો લાગુ થયા બાદ સંબંધિત ક્ષેત્રના કર્મચારીઓ હડતાળ પર જઈ શકતા નથી. જો કોઈ કર્મચારી અથવા સંગઠન હડતાળનું એલાન કરે કે કામમાં અવરોધ ઊભો કરે, તો પોલીસ કોઈપણ વોરંટ વગર તેમની ધરપકડ કરી શકે છે. આ કાયદા હેઠળ દોષિત ઠરનાર વ્યક્તિને જેલની સજાની પણ જોગવાઈ છે.
ESMA કેવી રીતે કાર્ય કરે છે અને કોને લાગુ પડે છે?
ESMA કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો દ્વારા લાગુ કરી શકાય છે. સામાન્ય રીતે આ કાયદો શરૂઆતમાં 6 મહિના માટે અમલમાં મૂકવામાં આવે છે. તેમાં હોસ્પિટલ સેવાઓ, વીજળી, પાણી પુરવઠો, ટ્રાન્સપોર્ટ (બસ-ટ્રેન) અને પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ કાયદો લાગુ કરતા પહેલા સરકાર અખબારો કે જાહેર માધ્યમો દ્વારા કર્મચારીઓને સૂચિત કરે છે. એકવાર આ કાયદો અમલી બને એટલે 'કામ કરવાનો ઈનકાર' એ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણાય છે.
સંગ્રહખોરી અને કાળાબજાર પર કડક લગામ
આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ (EC Act) લાગુ થવાથી હવે તંત્ર પાસે સત્તા છે કે તે કોઈપણ ડેપો કે એજન્સી પર દરોડા પાડી શકે છે. જો કોઈ ગેસ એજન્સી કે વેપારી કૃત્રિમ અછત ઊભી કરવા માટે સિલિન્ડરનો સ્ટોક કરી રાખશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો નિર્દેશ સ્પષ્ટ છે: "મુશ્કેલીના સમયમાં જનતાને હાલાકી ન પડવી જોઈએ."



















