Home Gujarat Youth Congress Nsui Protest In Vadodara Over Prayagraj Incident

પ્રયાગરાજની ઘટના મામલે વડોદરામાં યુથ કોંગ્રેસ–NSUIનો વિરોધ : યોગી આદિત્યનાથના ફોટા પર શાહી ફેંકી!, અનેક કાર્યકર્તાઓ ડિટેન

પ્રયાગરાજની ઘટના મામલે વડોદરામાં યુથ કોંગ્રેસ–NSUIનો વિરોધ
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 03:10 PM IST

વડોદરા શહેરમાં આજે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા પ્રયાગરાજમાં જગદ્ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા તેમના સાધુઓ પર થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે યોજાયેલા આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન થોડા સમય માટે આખો માર્ગ જામ થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યકર્તાઓ પ્રદર્શન સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને રોકી દીધા હતા અને ટીંગાટોળી કરી અટકાયતની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ વેનમાં બેસાડી અનેક કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા.

'...ઉત્તર પ્રદેશનું પોલીસ પ્રશાસન જવાબદાર'

યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ ભાજપ પર હિંદુ વિરોધી અને સનાતન વિરોધી માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પ્રયાગરાજમાં શંકરાચાર્ય પાસેથી ‘શંકરાચાર્ય’ હોવાનો પ્રમાણપત્ર માંગીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે, જે સનાતન પરંપરાનો અવમાન છે. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહી પાછળ ભાજપ અને ઉત્તર પ્રદેશનું પોલીસ પ્રશાસન જવાબદાર છે.

NSUIનો વિરોધ

પ્રદર્શન દરમિયાન યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી ફેંકવામાં આવતા સ્થળ પર તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ જવાનોના હાથ પણ શાહીથી લથપથ થઈ ગયા હતા. પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પ્રદર્શનને નિયંત્રિત કર્યું હતું અને કાર્યકર્તાઓને સ્થળ પરથી દૂર કર્યા હતા. આ અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે શંકરાચાર્યો સામે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે અત્યંત નિંદનીય છે. ભાજપ અને પોલીસ પ્રશાસન મળીને સનાતન પરંપરાને અપમાનિત કરી રહ્યા છે. આ અન્યાયના વિરોધમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવી પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પોતાની માગ રજૂ કરતા જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓને ઉઠાવી લઈ જવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now