Home Gujarat Young Snooker Player From Vadodara Partha Shah Becomes Gujarat Junior Champion

વડોદરાના પાર્થ શાહ બન્યા ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયન : મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર મારફતે પાઠવ્યા અભિનંદન

વડોદરાના પાર્થ શાહ બન્યા ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયન
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 09:26 AM IST

Gujarat Junior Snooker Championship: વડોદરા શહેરના પ્રતિભાશાળી યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર સ્નૂકર ચેમ્પિયનશિપ 2025માં અસાધારણ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાર્થને પ્રશસ્તિપત્ર મારફતે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપનો ખિતાબ

મુખ્યમંત્રીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, “સુરત ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં આપના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપનો ખિતાબ પ્રાપ્ત કર્યો તે સરાહનીય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 20210થી “ખેલ મહાકુંભ”નું આયોજન કરાવ્યું હતું, જેના કારણે અનેક ખેલાડીઓને પોતાની પ્રતિભા દાખવવાના અવસરો મળ્યા. વર્તમાન સરકાર આ પરંપરાને ચાલુ રાખી રહી છે.

16 ખેલાડીઓ સામે શરૂઆતથી જ દમદાર પ્રદર્શન

19 વર્ષીય પાર્થ શાહે ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા 16 ખેલાડીઓ સામે શરૂઆતથી જ દમદાર પ્રદર્શન કર્યું. તેણે દરેક રાઉન્ડમાં આત્મવિશ્વાસ અને ટેકનિકલ નિપુણતા દાખવી ફાઇનલ સુધીનો પ્રવાસ તેમજ ફાઇનલમાં વિજય મેળવ્યો. નોંધપાત્ર વાત એ છે કે પાર્થ હાલ સબ-જુનિયર રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનો નંબર 3 ખેલાડી છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ સ્નૂકર ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ

વધુમાં, 2025માં જ તેણે ગુજરાત રાજ્ય સિનિયર ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ પણ જીતીને પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી છે. પાર્થની આ સફળતા રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, આ જ પ્રકારે પ્રતિભા અને પરિશ્રમથી સફળતાના શિખરો સર કરતા રહો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now