Home Automobile Xpeng G7 Hybrid Suv Launch Range Price Details

ચીની કંપનીએ ઓટોમોબાઈલ સેક્ટરમાં મચાવી હલચલ : લોન્ચ કરી 1704 કિમીની રેન્જ ધરાવતી શક્તિશાળી Hybrid SUV

ચીની કંપનીએ ઓટોમોબાઈલ સેક્ટરમાં મચાવી હલચલ
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 02:30 PM IST

ચીનની જાણીતી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Xpeng Motors દ્વારા ઓટોમોબાઈલ માર્કેટમાં એક ક્રાંતિકારી Hybrid SUV રજૂ કરવામાં આવી છે. કંપનીએ પોતાની લોકપ્રિય G7 SUVનું નવું હાઈબ્રિડ વર્ઝન માર્કેટમાં ઉતાર્યું છે જેની રેન્જ સાંભળીને દિગ્ગજ કંપનીઓ પણ ચોંકી ઉઠી છે. આ SUV એક વખત ફૂલ ચાર્જ અને ફૂલ ટેન્ક સાથે 1704 કિમી સુધીનું અંતર કાપવા સક્ષમ છે. આ આંકડો એટલો મોટો છે કે દિલ્હીથી મુંબઈ સુધીની મુસાફરી કોઈપણ સ્ટોપ વગર સળંગ પૂર્ણ કરી શકાય છે. લાંબા રૂટ પર મુસાફરી કરતા લોકો માટે આ ગાડી વરદાન સમાન સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ચાર્જિંગ સ્ટેશન શોધવાની ચિંતા રહેશે નહીં.

બેટરી અને એન્જિનની વિગતો

Xpeng Motorsનો દાવો છે કે G7 વિશ્વની સૌથી વધુ રેન્જ આપનારી SUV છે. આ કારમાં 55.8 kWhની શક્તિશાળી બેટરી લગાવવામાં આવી છે અને સાથે 60 લિટરની ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે. આ ગાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એક નાનું પેટ્રોલ એન્જિન પણ ઉપલબ્ધ છે. જોકે આ એન્જિન સીધું કારને ચલાવવાને બદલે બેટરીને ચાર્જ કરવાનું કામ કરે છે જેને કારણે આટલી લાંબી રેન્જ મેળવવી શક્ય બને છે. કિંમતની દ્રષ્ટિએ પણ કંપનીએ તેને સ્પર્ધાત્મક બનાવી છે. આ SUVની પ્રારંભિક કિંમત અંદાજે 28000 ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 23.5 લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.

P7+ સેડાન પણ થઈ રજૂ

SUVની સાથે કંપનીએ પોતાની શાનદાર P7+ સેડાન પરથી પણ પડદો હટાવ્યો છે. આ સેડાનની ક્ષમતાની વાત કરીએ તો તે એકવારમાં 1550 કિમીનું અંતર કાપી શકે છે. તેની કિંમત 27000 ડોલર એટલે કે આશરે 22.6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે Xpeng કંપનીએ ગત વર્ષે 4.29 લાખથી વધુ વાહનોનું વેચાણ કરીને ઈતિહાસ રચ્યો હતો જે તેના અગાઉના વર્ષ કરતા બમણાથી પણ વધુ ગ્રોથ દર્શાવે છે.

ભવિષ્યની ટેકનોલોજી અને હ્યુમનોઈડ રોબોટ

માત્ર વાહનો જ નહીં પરંતુ Xpeng હવે એડવાન્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. કંપનીએ એક ખાસ Humanoid Robot તૈયાર કર્યો છે જે આબેહૂબ માણસોની જેમ હલનચલન કરી શકે છે. કંપનીના મતે આગામી વર્ષ 2028થી 2038ના ગાળા દરમિયાન આવા રોબોટ્સનો ઉપયોગ સામાન્ય માનવીના જીવનમાં ખૂબ જ વધી જશે. આમ આ ચીની કંપની હવે ટ્રાન્સપોર્ટેશનની સાથે ટેકનોલોજીના ભવિષ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now