Women Reservation Bill Update: દેશના સંસદ ભવનમાં છેલ્લા કેટલાક દિવસોથી મહિલા અનામત અને સીમાંકન (ડિલિમિટેશન) બિલ પર ગંભીર મંથન ચાલી રહ્યું છે. મોડી રાત સુધી ચાલેલી જોરદાર ચર્ચા બાદ હવે આ મામલે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક ઐતિહાસિક નોટિફિકેશન જાહેર કરીને 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026થી અમલમાં લાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ કાયદા હેઠળ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે, જે ભારતીય લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટેનું એક ક્રાંતિકારી ડગલું માનવામાં આવે છે.
જોકે, આ નોટિફિકેશનના સમયને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે. એક તરફ સંસદમાં આ જ કાયદાના સુધારા પર હજુ ચર્ચા અને મતદાનની પ્રક્રિયા બાકી છે, ત્યારે બીજી તરફ સરકારે તેના અમલીકરણની તારીખ જાહેર કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 એપ્રિલ 2026ના રોજ એટલે કે આજે સાંજે ૪ વાગ્યે આ બિલ પર અંતિમ વોટિંગ થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને આ બિલને સમર્થન આપવા અપીલ કરી છે, જેથી વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિનો મહત્તમ ફાળો સુનિશ્ચિત કરી શકાય.
નોટિફિકેશન જાહેર: 16 એપ્રિલ 2026થી કાયદો અમલી
કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ નોટિફિકેશન મુજબ, સંવિધાન (106મો સુધારો) અધિનિયમ, 2023ની જોગવાઈઓ 16 એપ્રિલ 2026થી દેશભરમાં લાગુ ગણાશે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદાને લઈને લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી. જોકે, સંસદમાં ચર્ચા ચાલુ હોવા છતાં નોટિફિકેશન કેમ જાહેર કરાયું તે અંગે અધિકારીઓએ માત્ર 'ટેકનિકલ કારણો' હોવાનું જણાવી વિગતો આપવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો: સીમાંકન પછી દક્ષિણ ભારતીય રાજ્યોને કેટલી બેઠકો મળશે? : ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં કર્યો ખુલાસો
સીમાંકન બાદ જ મળશે અનામતનો લાભ
મહિલા અનામત કાયદો લાગુ થયો હોવા છતાં, મહિલા ઉમેદવારોને તેનો લાભ તાત્કાલિક ધોરણે મળી શકશે નહીં. કાયદાની જોગવાઈ મુજબ, આ 33 ટકા અનામત ત્યારે જ અમલમાં આવશે જ્યારે આગામી વસ્તી ગણતરી (Census) પૂર્ણ થશે અને તેના આધારે સીમાંકન (Delimitation)ની પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. અંદાજ મુજબ 2027ની વસ્તી ગણતરી બાદ 2029ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર મહિલાઓને આ આરક્ષિત બેઠકોનો લાભ મળી શકે છે.
એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત
આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો ફાળવવાનો છે. હાલમાં સંસદમાં જે સુધારા બિલો પર ચર્ચા થઈ રહી છે તેનો મુખ્ય હેતુ એ છે કે, કોઈપણ રીતે 2029ની સામાન્ય ચૂંટણીઓથી આ વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવે. સરકારનું માનવું છે કે, આનાથી નીતિ નિર્ધારણમાં મહિલાઓનો અવાજ વધુ બુલંદ બનશે.
પીએમ મોદીની અપીલ: 'રાજકીય ત્રાજવે ન તોલો'
ગુરુવારે સંસદમાં આપેલા સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષી પક્ષોને આકરા શબ્દોમાં ચેતવણી પણ આપી અને સમજાવ્યા પણ હતા. પીએમ મોદીએ કહ્યું કે, "ચૂંટણીમાં મહિલાઓને મળનારા આ અધિકારનો જેણે પણ વિરોધ કર્યો છે, તેને ઈતિહાસમાં હંમેશા નુકસાન વેઠવું પડ્યું છે. આ અવસર રાજકારણ કરવાનો નથી પણ દેશની નારી શક્તિને સન્માન આપવાનો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશની મહિલાઓ સરકારના નિર્ણયની સાથે તેની દાનત પણ જોઈ રહી છે.





