Home Gujarat Will The Holi Festival Be Decided By The Fire The States Biggest Holika Will Be Lit In Palaj

આગામી વર્ષ કેવું રહેશે? : હોળીની ઝાળ પરથી થશે નક્કી? પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાશે

આગામી વર્ષ કેવું રહેશે?
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 06:12 AM IST

ગુજરાતભરમાં આજે મોડી સાંજે ધામધૂમથી હોલિકા દહન ઉજવાશે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ પરંપરાગત રીતે આગાહી સાથે પણ જોડાયેલો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવાની પ્રથા આજે પણ જીવંત છે. ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવવામાં આવતી હોવાથી અહીં આગાહીકારો વિશેષ રીતે ઉપસ્થિત રહે છે અને હોલિકાદહન બાદ વરતારો જાહેર કરે છે.

હોળીની ઝાળ પરથી નક્કી થશે, આગામી વર્ષ કેવું રહેશે?

હોળી પ્રગટાવવામાં આવે ત્યારે આગાહીકારો ખાસ ધ્યાન આપે છે કે અગ્નિની જ્વાળા કઈ દિશામાં વળે છે અને તેની ઝાળ કઈ તરફ જાય છે. માન્યતા મુજબ, જો ઝાળ પૂર્વ દિશામાં જાય તો સારો વરસાદ થાય, પશ્ચિમ તરફ જાય તો વરસાદ ઓછો રહે, ઉત્તર તરફ ઝૂકે તો સમૃદ્ધિ વધે અને દક્ષિણ તરફ જાય તો મુશ્કેલીઓ આવી શકે. આ પ્રકારની માન્યતાઓના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે.

પરંપરાગત પદ્ધતિ

વર્ષા વિશે આગાહી કરવા માટે માત્ર હોળીની જ્વાળા જ નહીં, પરંતુ અન્ય પરંપરાગત પદ્ધતિઓ પણ અપનાવવામાં આવે છે. જેમ કે રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ દરમિયાન વાહનની ગણતરી, ચોક્કસ તિથિઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના દિવસે પવનની દિશા તેમજ નાના નાના જીવજંતુઓની હરકતો પરથી પણ વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. આ પરંપરાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત નથી હોવા છતાં, ખેડૂતો આજે પણ તેમાં વિશ્વાસ રાખે છે. ખાસ કરીને ખેતી પર નિર્ભર લોકો માટે સારો વરસાદ જીવનમરણનો પ્રશ્ન હોય છે, તેથી તેઓ આવી પરંપરાગત આગાહીઓને મહત્વ આપે છે. હોલિકાદહન પછી આજે ફરી એકવાર આગાહીકારો આગામી વર્ષ અંગે પોતાનો અંદાજ રજૂ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now