Mohmmad Shami Fitness Update: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીના કમબેક અંગે ચર્ચાઓ ફરી ગાઢ થઈ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મન્સ બાદ BCCIના સિલેકર્ટસોનું વલણ બદલાતું દેખાય છે. 35 વર્ષીય શમી માટે હજુ પણ રસ્તો કઠિન છે ફિટનેસ જાળવવી, ફોર્મ કાયમ રાખવું અને યુવા ઝડપી બોલરો સાથે કંપિટ કરવું. આ તમામ પડકારો તેમની સામે છે, પરંતુ જે દરવાજો ક્યારેક બંધ લાગતો હતો, તે હવે ખુલવા માટે તૈયાર દેખાય છે.
સિલેકર્ટસોના વિચારમાં ફેરફાર
BCCIના એક સૂત્રે જણાવ્યું કે શમીના ડોમેસ્ટિક ક્રિકેટમાં પર્ફોર્મન્સ પર નજર રાખવામાં આવી રહી છે. શમી હવે પસંદગીની રેસમાંથી બહાર નથી અને ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સિરીઝમાં તેમનું નામ આશ્ચર્યજનક નહીં હોય.સિલેકર્ટસો માને છે કે આ સ્તરના બોલરને વિકેટ લેતા આવડે છે, મુખ્ય ચિંતા માત્ર ફિટનેસની છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે મેચો જાન્યુઆરીમાં રમાશે, અને શમીના કમબેકની શક્યતા મજબૂત છે.
આંકડા જે ચર્ચા જીવંત રાખે છે
શમીનો કેસ એટલે જ ખતમ નથી થયો કારણ કે તેમના આંકડા સતત તેમની તરફેણમાં બોલે છે. તાજેતરના રણજી ટ્રોફી સીઝનમાં માત્ર ચાર મેચમાં 20 વિકેટ લઈને તેમણે સાબિત કર્યું કે તેમની ધાર હજુ કાયમ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેઓ બંગાળ માટે અગ્રણી વિકેટ લેનારા રહ્યા, અને વિજય હઝારે ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું.
ફિટનેસ: સૌથી મોટી સમસ્યા
શમીના રસ્તામાં સૌથી મોટો અવરોધ હંમેશા ફિટનેસ રહી છે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી તેઓ ઘૂંટણ અને ટખનાની ઇજાઓથી પરેશાન રહ્યા. સર્જરી અને લાંબા રિહેબે તેમની કન્ટીનયુટી તોડી, જેના કારણે પસંદગીકારો સાવધાન રહ્યા. જોકે, શમીએ ઘણી વાર દાવો કર્યો કે તેઓ ફિટ છે અને બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને તેમણે તે સાબિત પણ કર્યું છે, હવે તેઓ નિયમિત બોલિંગ કરી રહ્યા છે અને વિકેટો લઈ રહ્યા છે.
જાહેર નિવેદનો અને સિલેકર્ટસોની પ્રતિક્રિયા
આ વર્ષની શરૂઆતમાં શમીએ આંતરરાષ્ટ્રીય દૌરાઓમાંથી બહાર રહેવા પર સિલેકર્ટસો પર જાહેરમાં ટીપ્પણી કરી હતી. તેના જવાબમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે સંતુલિત પ્રતિક્રિયા આપી કે જો શમી પૂર્ણ ફિટ હોત તો તેઓ ચોક્કસ ટીમ સાથે હોત. અગરકરે સ્પષ્ટ કર્યું કે ડોમેસ્ટિક સીઝનમાં તેમના પ્રદર્શન અને ફિટનેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવે પરિસ્થિતિ બદલાતી દેખાય છે અને સિલેકર્ટસોનો અભિગમ નરમ પડ્યો છે.
2027 વનડે વર્લ્ડ કપ તરફ નજર
2027 વનડે વર્લ્ડ કપની તૈયારી કરતી ટીમ ઇન્ડિયા માટે મોટા ટૂર્નામેન્ટમાં વિશ્વસનીય વિકેટ લેનારનું મહત્વ છુપાવેલું નથી. શમીનો અનુભવ અને મોટી મેચોમાં પ્રદર્શન તેમને ખાસ બનાવે છે. ન્યૂઝીલેન્ડ સામેની હોમ વનડે સિરીઝથી તેમની વાપસી શક્ય માનવામાં આવે છે. જો શમી ફિટ રહે અને ફોર્મ જાળવે, તો 2027 વર્લ્ડ કપ સુધી તેઓ ટીમનો મહત્વનો ભાગ બની શકે છે.





















