Why is the Boxing Day Test match played: દર વર્ષે 26 ડિસેમ્બરથી શરૂ થતી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ ક્રિકેટ ઇતિહાસની સૌથી પ્રતિષ્ઠિત પરંપરાઓમાંની એક છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં, આ ટેસ્ટ મેચ ક્રિકેટ, સંસ્કૃતિ અને ઉત્સવનું અનોખું સંગમ માનવામાં આવે છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાતી બોક્સિંગ-ડે ટેસ્ટ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખાસ આકર્ષણ છે.
બોક્સિંગ-ડે શું છે?
બોક્સિંગ-ડેનો બોક્સિંગ રમત સાથે કોઈ સીધો સંબંધ નથી. પશ્ચિમી ખ્રિસ્તી પરંપરા અનુસાર, નાતાલના બીજા દિવસે એટલે કે, 26 ડિસેમ્બરને બોક્સિંગ-ડે કહેવાય છે. ઇતિહાસ મુજબ, આ દિવસે ચર્ચમાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે દાનના બોક્સ ખોલવામાં આવતા હતા. કેટલાક દેશોમાં માલિકો તેમના કામદારોને ક્રિસમસ ગિફ્ટ બોક્સ આપતા હતા. આ બોક્સ પરંપરા પરથી જ આ દિવસને “બોક્સિંગ-ડે” નામ મળ્યું. ઘણા દેશોમાં, જેમ કે આયર્લેન્ડ અને સ્પેનમાં, આ દિવસને St. Stephen’s Day તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્રિકેટ સાથે બોક્સિંગ-ડે ક્યારે જોડાયો?
બોક્સિંગ-ડેનો ક્રિકેટ સાથેનો સંબંધ 19 મી સદીમાં શરૂ થયો. 1892 માં, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે ક્રિસમસ આસપાસ મેચ રમાઈ હતી. આ મેચો દર વર્ષે રમાવા લાગી અને ધીમે ધીમે તે પરંપરા બની ગઈ. જોકે, પ્રથમ ઓફિશિયલ ઇન્ટરનેશનલ બોક્સિંગ-ડે ટેસ્ટ 1950–51 ની એશિઝ સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ 22 ડિસેમ્બરે શરૂ થઈ હતી, પરંતુ તેનો એક દિવસ 26 ડિસેમ્બરે પડતો હોવાથી તેને બોક્સિંગ-ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવ્યું.
બોક્સિંગ-ડે ટેસ્ટની પરંપરા ક્યારે બની?
1953 થી 1967 વચ્ચે કેટલાક વર્ષો એવા પણ હતા, જ્યારે 26 ડિસેમ્બરે કોઈ ટેસ્ટ મેચ રમાઈ ન હતી. પરંતુ 1974–75 ની એશિઝ સિરીઝ દરમિયાન મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી શરૂ થયેલી ટેસ્ટ મેચે બોક્સિંગ-ડે ટેસ્ટને એક સ્થાયી પરંપરા બનાવી દીધી. ત્યારપછીથી, ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ-ડે ટેસ્ટ એટલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ—આ સમીકરણ લગભગ અડગ બની ગયું.
બોક્સિંગ-ડે ટેસ્ટ ફક્ત મેલબોર્નમાં જ કેમ?
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડનો ઐતિહાસિક વારસો અને તેની વિશાળ ક્ષમતા એ મુખ્ય કારણ છે. લગભગ 1 લાખ દર્શકો બેસી શકે તેવું આ સ્ટેડિયમ બોક્સિંગ-ડેના દિવસે સંપૂર્ણ ભરાઈ જાય છે. રજાના માહોલમાં પરિવાર સાથે ક્રિકેટ જોવા આવતી ભીડ આ મેચને ખાસ બનાવે છે. નાણાકીય અને વ્યૂઅરશિપના દૃષ્ટિકોણે પણ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે MCG સૌથી યોગ્ય સ્થળ છે.
બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ
આંકડા સ્પષ્ટ કહે છે કે, બોક્સિંગ-ડે ટેસ્ટ ઓસ્ટ્રેલિયાનો કિલ્લો રહ્યો છે. છેલ્લા 15 વર્ષમાં રમાયેલી 14 ઘરઆંગણે બોક્સિંગ-ડે ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી છે, 2 મેચ ડ્રો રહી છે અને ફક્ત 2 જ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ આંકડા મેલબોર્નમાં કાંગારૂ ટીમના દબદબાને દર્શાવે છે.
ભારતે તોડ્યું ઓસ્ટ્રેલિયાનું ગૌરવ
ઓસ્ટ્રેલિયાની બોક્સિંગ-ડે ટેસ્ટમાં થયેલી બંને હાર ભારતીય ટીમ સામે આવી છે.
2018 બોક્સિંગ-ડે ટેસ્ટ: વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે MCG પર પ્રથમ વખત બોક્સિંગ-ડે ટેસ્ટ જીતીને ઇતિહાસ રચ્યો.
2020 બોક્સિંગ-ડે ટેસ્ટ: એડિલેડમાં 36 રનની શરમજનક હાર પછી, અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ ભારતે મેલબોર્નમાં શાનદાર વાપસી કરી અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
આ બે જીતોએ સાબિત કર્યું કે, બોક્સિંગ-ડે ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાને હારવી શકાય છે.
બોક્સિંગ-ડે ટેસ્ટ શા માટે ખાસ ગણાય છે?
બોક્સિંગ-ડે ટેસ્ટ માત્ર ક્રિકેટ નથી, તે એક ભાવનાત્મક ઉત્સવ છે. રજાઓનો માહોલ, સ્ટેડિયમમાં ઉમટતી ભીડ, પરિવાર સાથે મેચ જોવા આવવાની પરંપરા અને વર્ષના અંતની સૌથી મોટી ટેસ્ટ મેચ, આ બધું મળીને તેને અનોખી મેચ બનાવે છે. ક્રિકેટરો માટે પણ બોક્સિંગ-ડે ટેસ્ટ રમવી ગૌરવની વાત ગણાય છે. બોક્સિંગ-ડે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્પર્ધાનું પ્રતિક છે. મેલબોર્નમાં શરૂ થતી આ ટેસ્ટ મેચ માત્ર ઓસ્ટ્રેલિયાની પરંપરા નથી, પરંતુ વિશ્વ ક્રિકેટનું ગૌરવ છે. અને જ્યારે ભારત જેવી ટીમ આ મંચ પર ઇતિહાસ રચી જાય, ત્યારે આ મેચની પ્રતિષ્ઠા અનેકગણી વધી જાય છે.





















