Home Gujarat Who Is Gujarati Singer Kinjal Rabari Biography Career Songs List Youtube Hits Kinjal Rabari Marriage Video Clarification

કોણ છે કિંજલ રબારી? : જાણો દેશી લગ્ન ગીતો અને ડાયરાથી છેક રાજસ્થાન સુધી ડંકો વગાડનાર ગાયિકાની રોમાંચક સફર વિશે

કોણ છે કિંજલ રબારી?
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 09:24 AM IST

Kijal Rabari inter-caste marriage controversy: ગુજરાતના અનેક ગાયકો લોકપ્રિય ગુજરાતી ગીતો, ભજન અને ડાયરા દ્વારા ફેમસ થયા છે. જેમાં જીગર ઠાકોર, ઐશ્વર્યા મજમુદાર, કિંજલ રબારી, કૈરવી બુચ ('તારો મારો સાથ'), કાજલ મહેરિયા, પંકજ મિસ્ત્રી, પિંટુ અલગોતર, ગોપાલ ભરવાડ ('લાડ'), અને હરિ ભરવાડ ('વર્લ્ડ ફેમસ દ્વારકા') નો સમાવેશ થાય છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ અનેક એવી પ્રતિભાઓ છુપાયેલી છે, જેણે પોતાની મહેનત અને કંઠના જોરે દુનિયાભરમાં નામ કમાયું છે. આવું જ એક નામ એટલે રાધનપુર તાલુકાના નાના એવા સિનાડ ગામની દીકરી કિંજલ રબારી.

કિંજલ રબારી આજે માત્ર એક નામ નથી, પરંતુ દેશી લગ્ન ગીતો, ભક્તિ સંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રમાં એક જાણીતું વ્યક્તિત્વ બની ગયા છે. તેમના ભક્તિગીતો અને ભજનોની લોકપ્રિયતા એવી છે કે, યુટ્યુબ પર તેમના ગીતો આવતાની સાથે જ લાખોની સંખ્યામાં વ્યૂઝ મેળવે છે. કિંજલ રબારીની વિશેષતા એ છે કે, તે પરંપરાગત ગુજરાતી ગાયકીને આધુનિક શૈલીમાં રજૂ કરે છે, જેના કારણે યુવા પેઢી પણ તેના ગીતોની દીવાની છે. ખાસ કરીને માતાજીના ભજનો અને લોકગીતોમાં તેનો કંઠ સાંભળવો એ એક લ્હાવો છે. તાજેતરમાં જ તેણે પોતાના અંગત જીવન અંગે કરેલા ખુલાસા બાદ તેઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે, ત્યારે તેના જીવનના પાયાના સંઘર્ષ અને સફળતા વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું.

સિનાડની શાળાથી થઈ શરૂઆત

કિંજલ રબારીમાં ગીતો પ્રત્યેના શોખના બીજ તેમના બાળપણમાં જ રોપાઈ ગયા હતા. તેમણે સિનાડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કર્યો હતો. શાળાના વાતાવરણમાં જ તેમને પોતાની આ કળાને નિખારવાની તક મળી હતી. ગ્રામીણ પૃષ્ઠભૂમિ હોવા છતાં, કિંજલે ક્યારેય પોતાની મર્યાદાઓને આડે આવવા દીધી નથી અને સતત રિયાઝ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સફળતા પાછળ પરિવાર અને ગુરુજનોનો મહત્વનો ફાળો

કોઈપણ કલાકારની સફળતા પાછળ એક મજબૂત પીઠબળ હોય છે. કિંજલ રબારીની ગાયકીમાં તેમના મોટાભાઈ કિરણ રબારીનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે. કિરણ રબારીએ હંમેશા કિંજલને પ્રોત્સાહિત કરી તેને સ્ટેજ પ્લેટફોર્મ અપાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત, તેમની શાળાના આચાર્ય તેજાભાઈ જાદવે પણ કિંજલની પ્રતિભાને ઓળખીને તેને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી, જેના કારણે આજે તેઓ એક સફળ પ્રોફેશનલ સિંગર બની શક્યા છે.

કારકિર્દીનો વળાંક

યુટ્યુબના જમાનામાં કિંજલ રબારી એક ડિજિટલ સ્ટાર તરીકે ઉભરી આવી છે. અત્યાર સુધીમાં તેના 35થી વધુ આલ્બમ રિલીઝ થઈ ચૂક્યા છે. તેમની ગાયકીની સીમાઓ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમણે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનેક મોટા કાર્યક્રમો અને ડાયરાઓ આપીને પોતાની ચાહક વર્ગ ઉભો કર્યો છે. તેના અવાજમાં રજૂ થતા ચેહર માં અને ગોગા મહારાજના ભક્તિગીતો આજે દરેક ભક્તના હોઠે જોવા મળે છે.

કિંજલ રબારીની ગાયકીની વિશેષતાઓ

કિંજલ રબારીની ગાયકીની સૌથી મોટી વિશેષતા તેમની વૈવિધ્યસભર રજૂઆત છે, જે દરેક વર્ગના દર્શકોને જકડી રાખે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની શુદ્ધ પરંપરાને જીવંત રાખતા તેના દેશી લગ્ન ગીતોમાં તેનો કોઈ જોડ નથી; તેના કંઠમાં ગવાયેલા ફટાણા અને લગ્ન ગીતો વિના ગ્રામીણ લગ્ન પ્રસંગો અધૂરા લાગે છે. આ ઉપરાંત, લોક ડાયરાના મંચ પર જ્યારે તે પરંપરાગત શૈલીમાં લોકસાહિત્ય અને ગીતો રજૂ કરે છે, ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. ભક્તિ સંગીત ક્ષેત્રે પણ તેનું અમૂલ્ય યોગદાન છે, જેમાં ખાસ કરીને લોકદેવતાઓ અને માતાજીના ભજનો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. આમ, લગ્ન ગીતોથી લઈને લોક ડાયરા અને ભક્તિ સંગીત સુધીની તેમની સફર તેને એક સંપૂર્ણ લોક કલાકાર તરીકે સ્થાપિત કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now