કેનેડાના વડાપ્રધાન કોણ બનશે?
જસ્ટીન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ છે, ત્યારે ના માત્ર કેનેડિયન નાગરિકો પરંતુ દુનિયાની નજર એ વાત પર છે કે હવે કેનેડાના વડાપ્રધાન કોણ બનશે? કેનેડામાં પીએમ પદની રેસમાં અનેક નેતાઓ સામેલ છે, જેમાં ભારતીય મૂળના અનિતા આનંદની કેનેડાની રાજનીતિમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જસ્ટીન ટ્રુડોના નેતૃત્વવાળી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનિતા આનંદે મહત્વની ભૂમિકા નિભાવી છે. અનિતા આનંદ કેનેડાની પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા માટેની રેસમાં છે.
કોણ છે અનિતા આનંદ?
અનિતા આનંદનો જન્મ 20 મે 1967એ કેનેડાના કેંટવિલે નોવા સ્કોટિયામાં થયો, અનિતાના માતા-પિતા ભારતીય મૂળના છે. અનિતાના પિતા એસ.વી. આનંદ દક્ષિણ ભારતમાં તબીબ હતા, વર્ષ 1960ના દાયકામાં જ અનિતાના માતા-પિતા કેનેડામાં આવી ગયા હતા. અનિતાએ ક્રિસ યુનિવર્સિટીમાંથી બેચરલ ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે તો ડેલહૌજી યુનિવર્સિટીમાંથી વકાલતનો અભ્યાસ કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટરની ડિગ્રી મેળવી છે. અનિતા આનંદ કેનેડાના નેતા છે, અને વ્યવસાયે તેઓ વકીલ છે. અનિતાએ પોતાની કારકિર્દીની શરૂઆત વકાલતથી કરી. ટોરેન્ટો યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર રહી ચૂક્યા છે. કોર્પોરેટ ગવર્નન્સ અને નિયમ-કાયદાઓમાં તેમની નિપુણતા છે. કેનેડામાં પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક અનિતા આનંદ છે. અનિતા આનંદ કેનેડામાં રક્ષામંત્રી રહી ચૂક્યા છે. જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીમાં તેઓ રક્ષામંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા.
કેનેડાની રાજનીતિમાં મોટું નામ
અનિતા આનંદના લગ્ન જ્હોન નામની વ્યક્તિ સાથે થયા હતા, અને તેમને ચાર સંતાનો પણ છે. વર્ષ 2019માં ઓકવિલેથી તેઓ સંસદ તરીકે ચૂંટાઈને આવ્યા અને જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકારમાં તેઓ સામેલ થયા. અનિતાને લિબરલ પાર્ટીના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો અનિતાની પસંદગી થાય તો તેઓ કેનેડાના પહેલા મહિલા વડાપ્રધાન બને
અનિતા આનંદ જો વડાપ્રધાન બને તો તે ત્યા વસતા ભારતીય મૂળના નાગરિકો માટે ગૌરવની વાત સાબિત થાય. અનિતા આનંદ વડાપ્રધાન બને તો ભારત સાથે સબંધો સુધારવા માટે તેઓ પ્રયાસ કરી શકે છે, પરંતુ અહીં એ વાત પણ ના ભૂલવી જોઈએ કે તેઓ ટ્રુડોની પાર્ટીના લીડર છે, અને તેમના માટે પણ કેનેડા ફર્સ્ટની નીતિ પ્રાથમિકતા હશે.





