Tata Punch EV or MG Comet : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે હવે બજારમાં સસ્તા અને સારા ઓપ્શન ઉપલબ્ધ છે. જેમાં MG Comet EV અને Tata Punch EV હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. આ બંને કાર 'બેટરી એઝ અ સર્વિસ' (BaaS) મોડલ સાથે આવે છે, જે તેને ખરીદવી વધુ પરવડે તેવી બનાવે છે. જો તમે પણ મૂંઝવણમાં છો કે, આ બેમાંથી કઈ ગાડી લેવી, તો આ લેખ તમને સાચો નિર્ણય લેવામાં મદદ કરશે.
કિંમત અને બેટરી ભાડાનું ગણિત
કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો MG Comet EV વધુ સસ્તી છે. BaaS મોડલ હેઠળ તેની શરૂઆતની કિંમત આશરે ₹4.99 લાખ છે, જ્યારે બેટરી સાથે તેની કિંમત ₹7.62 લાખથી શરૂ થાય છે. બીજી તરફ, Tata Punch EV ની BaaS સાથે કિંમત ₹6.49 લાખ અને બેટરી સાથે ₹9.69 લાખથી શરૂ થાય છે. જોકે, એક મહત્વની વાત એ છે કે, પંચ EV નું બેટરી ભાડું ₹2.60 પ્રતિ કિમી છે, જે કોમેટના ₹3.20 કરતાં ઓછું છે. એટલે કે, જો તમારું રનિંગ વધારે છે, તો લાંબા ગાળે પંચ EV તમને સસ્તી પડી શકે છે.
ડિઝાઇન અને ફીચર્સ
ડિઝાઇનની વાત કરીએ તો, Tata Punch EV એક માઇક્રો SUV છે. તે સાઇઝમાં મોટી છે અને રોડ પર તેની હાજરી મજબૂત દેખાય છે. તેમાં કેબિન સ્પેસ પણ વધુ મળે છે, જે પરિવાર માટે અનુકૂળ છે. તેની સામે MG Comet EV એક નાની અને ક્યુટ સિટી કાર છે. તે ખાસ કરીને એવા લોકો માટે છે જેમને ટ્રાફિકમાં ગાડી ચલાવવામાં અને સાંકડી જગ્યામાં પાર્કિંગ કરવામાં તકલીફ પડતી હોય.
રેન્જ અને પાવર
રેન્જની બાબતમાં ટાટા પંચ EV મેદાન મારી જાય છે. તે એકવાર ફૂલ ચાર્જ કરવા પર મોડલ મુજબ 315 થી 421 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. જ્યારે MG કોમેટ EV લગભગ 230 કિલોમીટરની રેન્જ આપે છે. જો તમારે શહેરની બહાર લાંબી મુસાફરી કરવી હોય, તો પંચ EV વધુ ભરોસાપાત્ર સાબિત થાય છે, જ્યારે કોમેટ ફક્ત શહેરની અંદરના વપરાશ માટે ઉત્તમ છે.
અંતિમ નિર્ણય : કોણે કઈ કાર ખરીદવી?
જો તમારું બજેટ ઓછું છે અને તમારે ફક્ત ઓફિસ જવા કે શહેરના ટ્રાફિકમાં ફરવા માટે નાની કાર જોઈએ છે, તો MG Comet EV શ્રેષ્ઠ પસંદગી છે. પરંતુ, જો તમે એક મજબૂત SUV લુક, વધુ સ્પેસ અને લાંબી રેન્જ જોઈતી હોય, જેથી પરિવાર સાથે બહાર પણ જઈ શકાય, તો Tata Punch EV તમારા માટે વધુ 'વેલ્યુ-ફોર-મની' સાબિત થશે.




















