Nissan Gravite vs Renault Triber vs Maruti Ertiga : ભારતીય બજારમાં ફેમિલી કાર તરીકે 7-સીટર ગાડીઓની માંગ હંમેશા રહે છે. હાલમાં નિસાન દ્વારા લોન્ચ કરવામાં આવેલી 'ગ્રેવાઇટ' (Gravite) એ માર્કેટમાં ભારે ચર્ચા જગાવી છે. આ કાર સીધી રીતે રેનો ટ્રાઇબર અને મધ્યમ સાઇઝની લોકપ્રિય MPV મારુતિ એર્ટિગાનેકોમ્પિટિશન આપી રહી છે. જો તમે પણ તમારા પરિવાર માટે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલ તમને સાચો નિર્ણય લેવામાં મદદ કરશે.
ડિઝાઇન અને લુક
નિસાન ગ્રેવાઇટ અને રેનો ટ્રાઇબર એક જ પ્લેટફોર્મ પર બનેલી હોવા છતાં, ગ્રેવાઇટનો લુક વધુ મોડર્ન છે. તેમાં નવી DRL લાઇટિંગ અને બોનેટ પર મોટું 'Gravite' નામ તેને ખાસ ઓળખ આપે છે. જ્યારે ટ્રાઇબરની ડિઝાઇન પરંપરાગત છે. બીજી તરફ, મારુતિ એર્ટિગા સાઇઝમાં આ બંને કરતાં મોટી અને પ્રીમિયમ દેખાય છે.
એન્જિન અને પરફોર્મન્સ
એન્જિનની વાત કરીએ તો, ગ્રેવાઇટ અને ટ્રાઇબરમાં 1.0-લિટરનું નાનું પેટ્રોલ એન્જિન છે (72ps પાવર). આ શહેરની મુસાફરી માટે સારું છે, પણ સાત લોકો સાથે હાઇવે પર થોડું નબળું પડી શકે છે. તેની સામે મારુતિ એર્ટિગામાં 1.5-લિટરનું મોટું અને શક્તિશાળી એન્જિન છે, જે વધુ પાવર (102bhp) આપે છે. એર્ટિગામાં CNG નો વિકલ્પ પણ મળે છે, જે રનિંગ ખર્ચ ઘટાડે છે.
કેબિન સ્પેસ અને આરામ
ગ્રેવાઇટ અને ટ્રાઇબર 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવે છે, તેથી તેની ત્રીજી રો (Last Row) મુખ્યત્વે બાળકો માટે યોગ્ય છે. જો બધી સીટો વપરાતી હોય, તો સામાન રાખવા માટે માત્ર 84 લિટર જગ્યા મળે છે. એર્ટિગા મધ્યમ સાઇઝની MPV હોવાથી ત્રણેય રોમાં વધુ સારી લેગરૂમ અને 209 લિટરની મોટી બૂટ સ્પેસ આપે છે, જે લાંબી મુસાફરી માટે બેસ્ટ છે.
કિંમત અને બજેટનો ફાયદો
કિંમતની દ્રષ્ટિએ નિસાન ગ્રેવાઇટ સૌથી મોટો ધડાકો કરે છે. તેની શરૂઆતી કિંમત માત્ર રૂ. 5.65 લાખ છે, જે ટ્રાઇબર કરતાં પણ લગભગ રૂ. 10,000 સસ્તી છે. જ્યારે મારુતિ એર્ટિગાની કિંમત રૂ. 8.80 લાખથી શરૂ થાય છે. એટલે કે, જે લોકોનું બજેટ ઓછું છે તેમના માટે ગ્રેવાઇટ એક આકર્ષક ઓપ્શન છે.
કઈ કાર ખરીદવી?
જો તમારું બજેટ ઓછું છે અને તમે શહેરમાં ચલાવવા માટે સસ્તી 7-સીટર શોધી રહ્યા છો, તો નિસાન ગ્રેવાઇટ અથવા રેનો ટ્રાઇબર શ્રેષ્ઠ છે. પરંતુ, જો તમને વધુ પાવર, વધુ જગ્યા અને લાંબી મુસાફરી માટે આરામદાયક કાર જોઈએ છે, તો મારુતિ એર્ટિગા વધુ સારો વિકલ્પ સાબિત થશે.




















