Home Sports When Will The Bgt Series Be Played Between India And Australia Know Australias Cricket Schedule

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારે રમાશે BGT સિરીઝ? : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું 2026-27 નું ક્રિકેટ શેડ્યૂલ!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારે રમાશે BGT સિરીઝ?
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 07:18 AM IST

ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના શેડ્યૂલ અંગેના સંકેતો મળી ગયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2026-27 માટેના ઇન્ટરનેશનલ સમરનું આખું કેલેન્ડર જાહેર કર્યું છે. આ આઠ મહિના લાંબી સિઝન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં કુલ 27 મેચો રમાવાની છે, જેમાં ભારત સામેની 5 ટેસ્ટ મેચો મુખ્ય આકર્ષણ રહેશે.

ભારત સામેનો ક્યારે રમાશે BGT?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) જાન્યુઆરી 2027 ના મધ્યમાં અથવા અંતમાં શરૂ થવાની સંભાવના છે. જોકે BCCI તરફથી હજુ અંતિમ મંજૂરી બાકી છે, પરંતુ આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ભાગરૂપે ખૂબ જ મહત્વની રહેશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ માટે ભારતને હરાવવું એ મોટો પડકાર હશે.

14 અઠવાડિયામાં 10 ટેસ્ટ મેચ

ઓસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટ ટીમ માટે આગામી શેડ્યૂલ ઘણું વ્યસ્ત રહેવાનું છે. ડિસેમ્બરથી માર્ચના મધ્ય સુધીના માત્ર 14 અઠવાડિયામાં ટીમે 10 ટેસ્ટ મેચ રમવી પડશે. સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્ક જેવા સિનિયર ખેલાડીઓ માટે આ સિઝન અત્યંત પડકારજનક રહેશે, કારણ કે, તેઓએ સતત ક્રિકેટ રમવું પડશે.

અન્ય દેશો સામેની સિરીઝ

સીઝનની શરૂઆત ઓગસ્ટ 2026 માં બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચથી થશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ રમશે. ખાસ વાત એ છે કે, વર્ષ 1999 પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે નવેમ્બર-ડિસેમ્બરમાં 3 વનડે અને 5 T20 મેચો પણ રમાવાની છે.

ગાબા મેદાનને નથી મળી જગ્યા

આ વખતે ટેસ્ટ શેડ્યૂલમાંથી પ્રખ્યાત ગાબા મેદાનને બાકાત રાખવામાં આવ્યું છે. તેના સ્થાને પર્થ, એડિલેડ, મેલબોર્ન અને સિડનીમાં મેચો યોજાશે. બાંગ્લાદેશ સામેની મેચો ડાર્વિન અને મેકેમાં રમાશે. ગાબાના ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ઐતિહાસિક 150 મી એનિવર્સરી ટેસ્ટ

આ આખા શેડ્યૂલનું સમાપન 11 થી 15 માર્ચ 2027 દરમિયાન ઈંગ્લેન્ડ સામે એક ધમાકેદાર ડે-નાઇટ ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે. આ મેચ દુનિયાના સૌપ્રથમ ટેસ્ટ મેચની 150 મી એનિવર્સરીના નિમિત્તે રમાશે. આ ઐતિહાસિક ક્ષણ ક્રિકેટ જગત માટે યાદગાર બની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now