WhatsApp Birthday Reminder: વિશ્વનું સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પોતાના કરોડો યુઝર્સ માટે વધુ એક ઉપયોગી ફીચર લાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધી મિત્રો, પરિવારજનો કે સહકર્મચારીઓનો જન્મદિવસ યાદ રાખવા માટે લોકો અલગથી કેલેન્ડર એપ, ફોન રિમાઈન્ડર અથવા અન્ય એપ્સનો ઉપયોગ કરતા હતા. જોકે હવે WhatsApp જ આ જવાબદારી સંભાળશે. કંપની એક એવા નવા ફીચર પર કામ કરી રહી છે, જે યુઝર્સને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોના આવનારા જન્મદિવસ વિશે સમયસર એલર્ટ મોકલશે. આ નવું ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, જે મોટાભાગે જન્મદિવસની શુભેચ્છાઓ WhatsApp મારફતે જ મોકલે છે. Birthday Reminder ફીચરની મદદથી હવે કોઈ નજીકના વ્યક્તિનો બર્થડે ભૂલી જવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તેનું પરીક્ષણ Android Beta વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે.
WABetaInfoએ કર્યો નવા ફીચરનો ખુલાસો
WhatsAppના નવા અને આવનારા ફીચર્સ પર નજર રાખતી વેબસાઇટ WABetaInfoના અહેવાલ મુજબ કંપની Android Beta 2.26.27.3 અપડેટમાં Birthday Reminder ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સને એપની અંદર જ તેમના કોન્ટેક્ટ્સના જન્મદિવસ અંગે નોટિફિકેશન મળશે. રિપોર્ટ અનુસાર, WhatsApp એપમાં અલગથી 'Birthday' નામનો એક વિભાગ પણ આપવામાં આવી શકે છે, જ્યાં યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ સરળતાથી જોઈ શકશે. આ ફીચરનો હેતુ યુઝર્સને કોઈ મહત્વનો દિવસ ભૂલાઈ ન જાય તે સુનિશ્ચિત કરવાનો છે.
જન્મતારીખની માહિતી કેમ એકત્ર કરી રહ્યું છે WhatsApp?
WhatsAppએ અગાઉ Android Beta 2.24.12.25 વર્ઝનમાં કેટલાક યુઝર્સ પાસેથી તેમની જન્મતારીખ અથવા જન્મ વર્ષની માહિતી માંગવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં ઘણા લોકોને લાગ્યું હતું કે આ માત્ર ઉંમર ચકાસવા માટેનો નિયમ છે. વાસ્તવમાં અમેરિકા સહિત કેટલાક દેશોમાં ઓનલાઈન સેવાઓ માટે યુઝર્સની ઉંમર ચકાસવા સંબંધિત નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવા માટે WhatsAppએ યુઝર્સ પાસેથી જન્મ સંબંધિત માહિતી લેવાનું શરૂ કર્યું હતું. કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે આ માહિતી અન્ય કોઈ યુઝરને દેખાશે નહીં અને તેને સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે.
Birthday Reminder કેવી રીતે કામ કરશે?
આ ફીચર લોન્ચ થયા બાદ જ્યારે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા કોઈ વ્યક્તિનો જન્મદિવસ નજીક આવશે અથવા તે દિવસે હશે, ત્યારે WhatsApp એપ તમને નોટિફિકેશન મોકલશે. જેથી તમે તરત જ તેમને શુભેચ્છા પાઠવી શકશો. જોકે આ સુવિધા દરેક કોન્ટેક્ટ માટે આપમેળે ઉપલબ્ધ નહીં બને. Birthday Reminder ત્યારે જ કામ કરશે જ્યારે સંબંધિત યુઝરે પોતાની જન્મતારીખ અથવા જન્મ વર્ષ WhatsApp સાથે શેર કર્યું હશે. જો કોઈ વ્યક્તિએ પોતાની જન્મ માહિતી દાખલ નહીં કરી હોય તો તેના માટે કોઈ રિમાઈન્ડર દેખાશે નહીં.
આ પણ વાંચો: WhatsApp પર હવે Meta Business Agent : AIની મદદથી મિનિટોમાં થશે અનેક બિઝનેસ કામ, ગ્રાહકોને મળશે વધુ સારી સેવા
પ્રાઈવસીનું પણ રાખવામાં આવશે ખાસ ધ્યાન
WhatsApp પોતાના નવા ફીચરમાં પ્રાઈવસીને પણ મહત્વ આપી રહ્યું છે. અહેવાલ મુજબ યુઝર્સને એવો વિકલ્પ આપવામાં આવશે કે તેઓ પોતાનો જન્મદિવસ કોને દેખાડવો અને કોની પાસેથી છુપાવવો તે નક્કી કરી શકશે. એટલે કે, જો કોઈ યુઝર ઇચ્છે તો પોતાની જન્મતારીખ માત્ર પસંદગીના લોકો સાથે જ શેર કરી શકશે. આ કારણે Birthday Reminder ફીચર ઉપયોગી હોવા ઉપરાંત પ્રાઈવસીની દૃષ્ટિએ પણ સુરક્ષિત રહેશે.
ક્યારે મળશે આ નવું ફીચર?
હાલમાં Birthday Reminder ફીચર માત્ર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તેની ટેસ્ટિંગ Android Beta વર્ઝનમાં ચાલી રહી છે. WhatsAppએ હજુ સુધી તેની સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી નથી. જો ટેસ્ટિંગ સફળ રહેશે તો આગામી કેટલાક અઠવાડિયા અથવા મહિનાઓમાં આ ફીચર Android અને iPhone બંને યુઝર્સ માટે સ્ટેબલ અપડેટ મારફતે ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારબાદ કરોડો WhatsApp યુઝર્સને પોતાના કોન્ટેક્ટ્સના જન્મદિવસ યાદ રાખવા માટે અલગથી કોઈ એપ કે કેલેન્ડરનો સહારો લેવાની જરૂર નહીં રહે.





