Home Gujarat Weather Updates Heatwave Alert In Gujarat City And Village

Heatwave Alert : ગુજરાતમાં હીટવેવનું એલર્ટ, રાજ્યના ક્યા-ક્યા જિલ્લામાં જોવા મળશે સૂર્યનું રૌદ્ર સ્વરૂપ?

Heatwave Alert
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 10:15 AM IST

Heatwave Alert in Gujarat: ગુજરાતમાં દિન-પ્રતિદિન તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે. જેને પગલે સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ગ્રામીણ વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. વધતા જતા શહેરીકરણ, વિકાસની લ્હાયમાં થતું વૃક્ષોનું નિકંદન પણ આના માટે જવાબદાર છે. એટલું જ નહીં સતત વધી રહેલાં કોંક્રિટના જંગલો, ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશનની સમસ્યા પણ વાતવરણને અસર કરતી હોય છે.

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત જ તેજીથી જોવા મળી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધીને 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં બપોરના સમયે લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. વાહનચાલકો અને રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતા લોકો ગરમ પવન અને લૂના કારણે ભારે તકલીફ ભોગવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી ત્રણ દિવસ રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવ જેવી સ્થિતિ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 9 માર્ચથી 15 માર્ચ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં ગરમીનો એલર્ટ જાહેર કરાયો છે. હવામાનમાં ઉત્તર-પૂર્વ તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં વધારાની શક્યતા છે. આ દરમિયાન, મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ગરમી અને લૂ માટે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. લૂ એ એવુ તાપમાન છે જેમાં વાતાવરણ ખૂબ ગરમ થઈ જાય અને માનસિક તેમજ શારીરિક થાક વધે છે. હીટવેવ ત્યારે ગણવામાં આવે છે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય, જ્યારે ખતરનાક હીટવેવ 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

હીટ સ્ટ્રોક એ ગરમીના કારણે શરીરના તાપમાનમાં ગંભીર વધારો થવાની સ્થિતિ છે. સામાન્ય શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય છે, પરંતુ તીવ્ર ગરમી અને સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી રહેતા હીટ સ્ટ્રોકનો ખતરો રહે છે. લક્ષણોમાં બેભાન થવું, માથાનો દુખાવો, જલ્દી થાક અને ઊલ્ટી આવવી આવરી શકાય છે.

હીટ સ્ટ્રોકના સંભવિત કેસમાં તાત્કાલિક ઉપચાર જરૂરી છે. વ્યક્તિને છાયામાં અથવા ઠંડા સ્થળે સુવાડવું, શરીર પર ઠંડા પાણીના ટુવાલનો ઉપયોગ, બરફ લગાવવું અને હાઈડ્રેશન માટે નારંગી કે લીંબુનો રસ પીવડાવવો ઉપયોગી છે. જો દર્દીને માનસિક અસ્વસ્થતા જણાય, તો તરત નજીકની હોસ્પિટલમાં પહોંચાડવી જોઈએ. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉનાળામાં પોતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવું જરૂરી છે, જેથી ગરમીના ખતરનાક પરિણામો ટાળવા શકાય. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા જણાય તો તુરંત જ નિષ્ણાત તબીબની સલાહ લેવી આવશયક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now