EV vs CNG : 2026 ના વર્ષમાં જ્યારે તમે નવી કાર ખરીદવા જાવ છો, ત્યારે સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે, ઇલેક્ટ્રિક કાર (EV) લેવી કે સીએનજી (CNG)? પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે આ બંને ઓપ્શન આકર્ષક લાગે છે. EV ને ભવિષ્યની સવારી માનવામાં આવે છે, જ્યારે CNG દાયકાઓથી મધ્યમ વર્ગની પહેલી પસંદ રહી છે. આ લેખમાં આપણે સમજીશું કે તમારા માટે કઈ કાર સૌથી વધુ 'પૈસા વસૂલ' સાબિત થશે.
ઇલેક્ટ્રિક કાર : ઓછો ખર્ચ અને મોડર્ન ટેકનોલોજી
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે. હાલમાં ₹12 લાખથી ₹25 લાખની રેન્જમાં ઘણી સારી EV ઉપલબ્ધ છે. EV નો સૌથી મોટો ફાયદો તેનો રનિંગ કોસ્ટ છે, જે માત્ર ₹2 થી ₹3 પ્રતિ કિલોમીટર જેટલો જ આવે છે. જો તમારું દૈનિક રનિંગ 100 કિમીથી વધુ છે અને ઘરે ચાર્જિંગની સુવિધા છે, તો EV તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન છે.
CNG કાર : બજેટમાં ફિટ અને સુવિધાજનક
જો તમારું બજેટ ₹8 થી ₹15 લાખની વચ્ચે છે, તો CNG કાર એક ઉત્તમ ઓપ્શન છે. CNG કારનો રનિંગ ખર્ચ ₹3 થી ₹4 પ્રતિ કિલોમીટર જેવો રહે છે. જે લોકો દરરોજ 50 થી 80 કિમી કાર ચલાવે છે, તેમના માટે CNG કાર વધુ ફાયદાકારક છે. સૌથી મોટી સુવિધા એ છે કે, દેશભરમાં CNG પંપ સરળતાથી મળી રહે છે, જેથી લાંબી મુસાફરીમાં ચાર્જિંગ જેવી ચિંતા રહેતી નથી.
સામે આવતા પડકારો
બંને ઓપ્શનમાં કેટલીક મર્યાદાઓ પણ છે. ઇલેક્ટ્રિક કારમાં હજુ પણ ભારતમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને 'રેન્જ એન્ઝાયટી' (બેટરી પૂરી થઈ જવાનો ભય) મુખ્ય સમસ્યા છે. બીજી તરફ, CNG કારમાં ગેસની ટાંકીને કારણે બૂટ સ્પેસ (સામાન રાખવાની જગ્યા) ઓછી મળે છે અને નાની ટાંકી હોવાથી વારંવાર રિફ્યુઅલિંગ માટે લાઇનમાં ઉભા રહેવું પડી શકે છે.
મેન્ટેનન્સ અને પરફોર્મન્સ
જાળવણી (Maintenance) ની વાત કરીએ તો, ઇલેક્ટ્રિક કાર અહીં બાજી મારી જાય છે. EV માં એન્જિન હોતું નથી, તેથી તેનો સર્વિસિંગ ખર્ચ CNG કાર કરતાં ઘણો ઓછો હોય છે. સાથે જ, EV પાવર અને ટોર્કની બાબતમાં CNG કરતાં વધુ સ્મૂધ અને પાવરફૂલ એક્સપિરિયન્સ આપે છે. CNG કારમાં એન્જિન હોવાથી તેની સમયાંતરે સર્વિસ અને સ્પેર પાર્ટ્સનો ખર્ચ થોડો વધારે રહે છે.
બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ મોડલ્સ
EV ઓપ્શન : ટાટા ટિયાગો EV, પંચ EV, નેક્સન EV, હેરિયર EV, MG વિન્ડસર, હ્યુન્ડાઈ ક્રેટા EV અને મહિન્દ્રાની XEV સિરીઝ.
CNG ઓપ્શન : મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઇની લગભગ તમામ લોકપ્રિય હેચબેક અને સેડાન કાર CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.




















