Home International Vladimir Putin India Visit Luxury Car Collection Aurus Senat Mercedes Security Features

Aurus Senat અને S-Class Pullman : પુતિનની બુલેટપ્રૂફ ગાડીઓ ચાલતા અભેદ કિલ્લા સમાન

Aurus Senat અને S-Class Pullman
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 06:15 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાં સામેલ છે જેઓ પોતાની શક્તિશાળી છબીની સાથે સાથે પોતાના ભવ્ય કાર કલેક્શન માટે પણ પ્રખ્યાત છે. પુતિન આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેમની સુરક્ષા વ્યવસ્થા અને તેમના લક્ઝરી વાહનો વિશે ચર્ચા જાગી છે. તેમની પાસે રહેલી ગાડીઓ માત્ર એક શોખ નથી પરંતુ તે રશિયાની અત્યાધુનિક એન્જિનિયરિંગ અને બેજોડ સુરક્ષા ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. ચાલો જાણીએ રશિયન રાષ્ટ્રપતિના ગેરેજમાં રહેલી આવી જ કેટલીક ખાસ ગાડીઓ વિશે.

ઓરસ સેનેટ એટલે પૈડાં પર ચાલતો કિલ્લો પુતિનના કાફલાની શાન ગણાતી સૌથી પ્રખ્યાત કાર ઓરસ સેનેટ છે. દુનિયાભરમાં આ કારને રોલિંગ ફોર્ટ્રેસ એટલે કે પૈડાં પર ચાલતા કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આ એક અલ્ટ્રા આર્મર્ડ લિમોઝીન છે જે સંપૂર્ણપણે રશિયામાં જ વિકસાવવામાં આવી છે. આ કારની બોડી એટલી મજબૂત બનાવવામાં આવી છે કે તેના પર ગોળીઓ કે ગ્રેનેડ હુમલાની પણ કોઈ અસર થતી નથી. એટલું જ નહીં મોટા બોમ્બ ધડાકા પણ આ કારને નુકસાન પહોંચાડી શકતા નથી. જો કદાચ આગ લાગે તો તેમાં ઓટો એક્સટિંગ્વિશ સિસ્ટમ અને એર સર્ક્યુલેશન મોડ્યુલ જેવી સુવિધાઓ છે. અંદરથી આ કાર કોઈ સેવન સ્ટાર હોટલના રૂમ જેવી લાગે છે જેમાં લેધર સીટ અને ખાસ પ્રકારના કાચ લગાવાયેલા છે.

મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ પુલમેન ભલે પુતિન રશિયન બનાવટની કારને પ્રાધાન્ય આપતા હોય પરંતુ તેમના કલેક્શનમાં લાંબા સમયથી મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ પુલમેન એએમજી ગાર્ડ પણ સ્થાન ધરાવે છે. આ કાર વિશ્વની સૌથી સુરક્ષિત અને આરામદાયક બુલેટપ્રૂફ લિમોઝીનમાં ગણાય છે. જ્યારે તેઓ વિદેશી પ્રવાસે જાય છે અથવા રાજકીય મુલાકાતો લે છે ત્યારે ઘણીવાર આ કારનો ઉપયોગ કરે છે. આ કારમાં વીઆઈપી સુરક્ષાની સાથે સાથે અત્યાધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ અને ખૂબ જ વિશાળ કેબિન હોય છે જે ખાસ કરીને રાષ્ટ્રાધ્યક્ષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

લાડા અને વોલ્ગા જેવી વિન્ટેજ કાર વ્લાદિમીર પુતિન પોતાના દેશના વારસા સાથે જોડાયેલા રહેવા માટે જાણીતા છે અને તે તેમના કાર પ્રેમમાં પણ દેખાય છે. તેમના અંગત કલેક્શનમાં લાડા અને જૂની વોલ્ગા જેવી ક્લાસિક રશિયન કારો પણ છે જેને રશિયાના ઓટોમોબાઈલ ઇતિહાસનું ગૌરવ માનવામાં આવે છે. આ ઉપરાંત રશિયાના બરફીલા પ્રદેશો અને દુર્ગમ રસ્તાઓને પહોંચી વળવા માટે તેમની પાસે ખાસ ઓફ રોડ વાહનો પણ છે. જેમાં યુએઝેડ કંપનીની દમદાર એસયુવી અને મિલિટરી વાહનો સામેલ છે જે સેટેલાઈટ કમાન્ડ જેવી હાઈટેક સુવિધાઓથી સજ્જ હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now