NEET વિવાદ પર બોલવું ભારે પડ્યું? Indian Idol માંથી બહાર કરાયાની અફવા પર વિશાલ દડલાનીએ તોડ્યું મૌન
બોલિવૂડના જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દડલાની (Vishal Dadlani) પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તેઓ દેશના દરેક મહત્વના મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય રાખે છે. તાજેતરમાં તેમણે NEET પેપર લીક કૌભાંડ અને દેશની વર્તમાન સ્થિતિ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અચાનક અફવા ફેલાઈ ગઈ કે તેમને સિંગિંગ રિયાલિટી શો 'Indian Idol 16' માંથી બહાર નો રસ્તો બતાવી દેવાયો છે. હવે આ વાયરલ દાવાઓ પર ખુદ ગાયકે સેટ પરથી જ સત્ય જાહેર કર્યું છે.
'આવા લોકોને સત્તામાં ન લાવો' કહીને વિવાદ વધ્યો હતો
વાસ્તવમાં, NEET પરીક્ષાના પેપર લીક વિવાદ પર ચિંતા વ્યક્ત કરતાં વિશાલ દડલાનીએ એક વીડિયો શેર કર્યો હતો. દેશની શિક્ષણ વ્યવસ્થા પર નિરાશા વ્યક્ત કરતાં તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, "આવા જાહિલ અને ગવાર લોકોને કૃપા કરીને સત્તામાં ન બેસાડો." તેમના આ નિવેદન બાદ ઇન્ટરનેટ પર ભારે હોબાળો થયો હતો અને ટૂંક સમયમાં જ અહેવાલો વહેતા થયા કે શોના મેકર્સ દ્વારા તેમની આ ટિપ્પણી બદલ તેમને જજની ખુરશી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
રડવાનું નાટક કરીને વિશાલે અફવાઓ ઉડાવી
આ તમામ ભ્રામક સમાચારો અને અફવાઓ પર મૌન તોડતા વિશાલ દડલાનીએ મંગળવારે (26 મે 2026) પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિશાલ શરૂઆતમાં કેમેરા સામે નકલી રડવાનો અભિનય કરે છે અને પછી અચાનક જોરથી હસી પડે છે. કેમેરાને Indian Idol ના ભવ્ય સેટ તરફ ફેરવીને તેઓ હસતા હસતા કહે છે, "હું અહીં જ છું, બેબી!"
વિશાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કેપ્શન લખ્યું:
"યાદ રાખો, ઓનલાઈન દેખાતી કોઈપણ વસ્તુ પર આંખો બંધ કરીને ભરોસો ન કરો. ઇન્ટરનેટ પર બહુ મોટા પાયે હેરાફેરી (Manipulation) અને ખોટો પ્રચાર ચાલી રહ્યો છે. જે સાચું છે તેના માટે લડતા રહો અને જે કહેવું જરૂરી છે તે હંમેશા કહેતા રહો!"





