હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર્સ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની શરણાઈઓ વાગી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટાર કપલને ખાસ પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. આવતીકાલે એટલે કે ગુરુવાર, 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાને આ પ્રસંગને "દૈવી લિખિત પ્રકરણ" ગણાવીને બંનેના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા 'વિરોશ' (VIROSH) તરીકે ઓળખાતા આ કપલ માટે પીએમ મોદીનો આ સંદેશ ચર્ચાનો વિષય બન્યો છે.
ટેલિવૂડ અને બોલિવૂડમાં પોતાની અદાકારીનો જાદુ ચલાવનાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આવતીકાલે લગ્નના બંધનમાં બંધાશે. આ ખુશીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય દેવરકોંડાના માતા-પિતાને એક પત્ર મોકલીને બંને પરિવારોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને પત્રમાં આ જોડીને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા છે.
PM મોદીએ પત્રમાં શું લખ્યું?
વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "26 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારા વિજય અને રશ્મિકાના લગ્નનું આમંત્રણ મળવું તે આનંદની વાત છે. આ આનંદદાયક અને શુભ અવસર પર દેવરકોંડા અને મંદાનાના પરિવારોને મારી હાર્દિક શુભેચ્છાઓ."
"ફિલ્મી સ્ક્રિપ્ટ કરતાં વધુ જાદુઈ છે આ સાચી સ્ક્રિપ્ટ"
પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં વિજય અને રશ્મિકાની ફિલ્મી કારકિર્દીનો ઉલ્લેખ કરતા લખ્યું કે, "વિજય કે રશ્મિકા ફિલ્મોની સ્ક્રિપ્ટ માટે નવા નથી, પરંતુ તેમના વાસ્તવિક જીવનનું આ પ્રકરણ, જે ઈશ્વરે પોતે લખ્યું છે (Divinely Scripted Chapter), તે ચોક્કસપણે રૂપેરી પડદા પરના તેમના જાદુને પણ પાછળ છોડી દેશે. પ્રેમ અને સ્નેહથી ભરેલું આ પ્રકરણ તેમના જીવનમાં નવી સુંદરતા લાવશે."
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, "સાત ફેરા લઈને આ કપલ આજીવન મિત્રો બની રહે અને આવનારા દિવસો, મહિનાઓ અને વર્ષો વહેંચાયેલા સપનાઓ અને તેની પરિપૂર્ણતાથી ભરેલા રહે. તેઓ એકબીજાની ખામીઓને સ્વીકારે અને એકબીજાની શક્તિઓમાંથી શીખીને સાચા જીવનસાથી તરીકે મુસાફરી કરે."
ઉદયપુરના ભવ્ય મહેલમાં યોજાશે લગ્ન
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન રાજસ્થાનના ઉદયપુર સ્થિત 'મોમેન્ટોસ બાય આઈટીસી હોટેલ્સ, એકાયા' ખાતે યોજાશે. આ એક અત્યંત ખાનગી અને ભવ્ય સમારોહ હશે, જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજરી આપશે.
ફેન્સે આપેલું નામ 'VIROSH' બન્યું ઓફિશિયલ
ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે આ કપલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, "અમારા સૌથી પ્રિય ચાહકો, અમે કોઈ પ્લાન કરીએ તે પહેલાં જ તમે અમને ખૂબ પ્રેમ આપ્યો અને અમને એક નામ આપ્યું- 'VIROSH'. તેથી આજે અમે આ જોડાણને તમારા સન્માનમાં 'ધ વેડિંગ ઓફ વિરોશ' નામ આપીએ છીએ."




















