Virat Kohli Hundreds In International Career: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આજે, બુધવાર, 5 નવેમ્બરના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિરાટ કોહલીનું નામ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ છે. વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 550 થી વધુ મેચ રમી છે. આ કારકિર્દીમાં વિરાટ કોહલીના નામે 82 સેંચુરી છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સેંચુરી ફટકારનાર બીજા ખેલાડી છે. જ્યારે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ વિરાટ કોહલીથી આગળ છે. સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં "સેંચુરીઓની સેંચુરી" ફટકારી છે.
વિરાટ કોહલીના 27,000 થી વધુ રન
વિરાટ કોહલીના જન્મદિવસ પર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ક્રિકેટ કારકિર્દીમાં તેમની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતી એક ખાસ પોસ્ટ શેર કરી. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 553 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 27,673 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ કારકિર્દીમાં 82 સેંચુરી અને 144 હાફ-સેંચુરી ફટકારી છે. વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરમાં 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 46.85 ની એવરેજથી 8,230 રન બનાવ્યા છે. જેમા ટેસ્ટ ક્રિકેટમાં 30 સેંચુરી અને 31 હાફ-સેંચુરી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સ 254 નોટઆઉટ છે. વિરાટ કોહલીએ 305 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને હજુ પણ રમી રહ્યો છે. આ 305 મેચોમાં 14,255 રન બનાવ્યા છે, જેમાં 51 સેંચુરી અને 75 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની વન-ડેમાં એવરેજ 57.71 છે. વન-ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 183 છે. વિરાટ કોહલીએ 125 T20I મેચ રમી છે, જેમાં 48.69 ની એવરેજથી 4,188 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ભારત માટે T20I ક્રિકેટમાં 1 સેંચુરી અને 38 હાફ-સેંચુરી ફટકારી છે. T20I મેચોમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 122 નોટઆઉટ છે. વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ત્રણ ICC ટ્રોફી જીતી છે. તેમાં 2 Champions Trophy, 1 ODI World Cup અને 1 T20 World Cup સામેલ છે. ICC Men's ODI World Cup 2011, ICC Champions Trophy 2013, ICC Men's T20I World Cup 2024 અને ICC Champions Trophy 2025 ની વિજેતા ટીમોનો ભાગ હતા.
ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ
વિરાટ કોહલી હવે ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં હજુ પણ રમી રહ્યો છે. વિરાટ કોહલીએ જાન્યુઆરી 2025 માં ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ટેસ્ટ સીરિઝ રમી હતી અને ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા 12 મે, 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી અગાઉ 2024 ના T20I વર્લ્ડ કપમાં ભારતની વિજેતા ટીમનો ભાગ હતા. ત્યારપછી, વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વિરાટ કોહલી હજુ પણ વનડે ક્રિકેટ રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં વિરાટ કોહલીએ નોટઆઉટ 74 રન બનાવ્યા હતા.





















